Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

IPL -2020 : દિલધડક મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય : ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું

દિલ્હીની સાતમી જીત : શિખર ધવનની ધુંવાધાર અણનમ સદી અને અક્ષર પટેલની 5 બોલમાં 21 રન ઝૂડી નાખ્યા : રવિન્દ્ર જાડેજાએ માત્ર 13 બોલમાં 4 છગ્ગા સાથે અણનમ 33 રન

 

શારજાહઃ શિખવ ધવનની અણનમ સદીની મદદથી દિલ્હી કેપિટલ્સ (DC)એ ઈન્ડિયન પ્રીમિયર લીગની 34મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. આ જીતની સાથે દિલ્હીના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવાથી માત્ર એક જીત દૂર છે. તો ચેન્નઈ સુપર કિંગ્સે 9મી મેચમાં છઠ્ઠી વખત હારનો સામનો કરવો પડ્યો છે. હવે ચેન્નઈ માટે આગળનો માર્ગ ખુબ મુશ્કેલ બની ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.5 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ચેન્નઈએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરના બીજા બોલ પર પૃથ્વી શો (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ અંજ્કિય રહાણે (8)એ ફરી નિરાશ કર્યાં હતા. આ બંન્ને સફળતા દીપક ચાહરને મળી હતી. દિલ્હીએ માત્ર 26 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રથમ બે વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને શ્રેયસ અય્યરે ઈનિંગને સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ અય્યર (23)ને બ્રાવોએ આઉટ કર્યો હતો. અય્યરે 23 બોલનો સામનો કરતા 1 ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન શિખર ધવને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ધવને ત્યારબાદ આ અડધી સદીને શાનદાર બેટિંગ દ્વારા સદીમાં પરિવર્તિત કરી હતી. આ ધવનના આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી છે. આ પહેલા આઈપીએલમાં ધવનનો સર્વોચ્ચ સ્કોર 97 રન હતો. ધવને 57 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગા સાથે પોતાના 100 રન પૂરા કર્યાં છે. આઈપીએલની સાથે આ ધવનના ટી-20 કરિયરની પ્રથમ સદી છે. ધવને 58 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. 

માર્કસ સ્ટોયનિસ (24)ને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. સ્ટોયનિસે 14 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા ફટકાર્યા હતા. એલેક્સ કેરી (4)ને સેમ કરને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અંતમાં અક્ષર પટેલે માત્ર 5 બોલમાં 3 છગ્ગા ફટકારી દિલ્હીની જીત નક્કી કરી હતી. ચેન્નઈ તરફથી દીપક ચાહરને બે સફળતા મળી હતી. આ સિવાય કેમ કરન, શાર્દુલ ઠાકુર અને બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. સેમ કરન (0)ને તુષાર દેશપાંડેએ નોર્ત્જેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. શેન વોટસન (36)ને નોર્ત્જેએ બોલ્ડ કરીને દિલ્હીને બીજી સફળતા અપાવી હતી. વોટસને 28 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સીઝનમાં ચેન્નઈ તરફથી સૌથી વધુ રન બનાવનાર ફાફ ડુ પ્લેસિસે ફરી અડધી સદી ફટકારી હતી. ફાફ (58) રબાડાનો શિકાર બન્યો હતો. ડુ પ્લેસિસે 47 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સને 129 રનના સ્કોર પર એમએસ ધોની (3)ના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. ધોની નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અંતિમ ઓવરોમાં જાડેજા અને રાયડૂએ શાનદાર બેટિંગ કરી ટીમનો સ્કોર 180ને નજીક પહોંચાડી દીધો હતો. અંબાતી રાયડૂ 25 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 45 રન બનાવી અણનમ રહ્યો હતો. તો રવિન્દ્ર જાડેજાએ માત્ર 13 બોલમાં 4 છગ્ગા સાથે અણનમ 33 રન બનાવ્યા હતા. રાયડૂ અને ધવન વચ્ચે 50 રનની અણનમ ભાગીદારી થઈ હતી. 

દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિક નોર્ત્જેએ 4 ઓવરમાં 44 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કગિસો રબાડા અને તુષાર દેશપાંડેને એક-એક સફળતા મળી હતી. 

(10:37 am IST)
  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST