Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ - આતંકીઓ વચ્ચે અથડામણ

બડગામ અને શોપિયામાં ૩ આતંકી ઠાર : ૧ પોલીસકર્મી શહીદ

શ્રીનગર તા. ૧૯ : શ્રીનગર-કાશ્મીરના બડગામ અને શોપિયા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. શોપિયામાં ગુરુવારે મોડી રાતથી અથડામણ ચાલુ છે. બડગામમાં શુક્રવારે સવારે એનકાઉન્ટર શરૂ થયુ. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ શોપિયા એન્કાઉન્ટરમાં આતંકવાદી માર્યા ગયા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ પોલિસ અને સુરક્ષાબળ બંનેએ સંયુકત રીતે મોરચો સંભાળ્યો છે અને સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. આઈજીબી કાશ્મીર વિજય કુમારે કહ્યુ કે શોપિયા એનકાઉન્ટરમાં લશ્કરના ૩ આતંકીઓ માર્યા ગયા છે.

વળી, બડગામમાં ચાલી રહેલ ઓપરેશનમાં એક પોલિસકર્મી એસપીઓ મોહમ્મદ અલ્તાફ શહીદ થઈ ગયા છે. એક અન્ય પોલિસકર્મી એસજી સીટી મંજૂર અહેમદ ઘાયલ થઈ ગયા છે. બડગામના બીરવાહ વિસ્તારથી લઈને શોપિયા સુધી સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે. સુરક્ષાબળોને સૂચના મળી હતી કે બડગામ વિસ્તારમાં આતંકીવાદી છૂપાયા છે.

સૂચના મેળવીને પોલિસ અને સુરક્ષાબળોએ વિસ્તારમાં ગયા તો આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધુ. ત્યારબાદ બંને વચ્ચે એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. આ એનકાઉન્ટર એવા સમયમાં થયુ જયારે વિદેશી રાજદૂતોનુ એક દળ કાશ્મીર ઘાટીની સ્થિતિ જાણવા માટે પ્રવાસ પર આવેલા છે.

(10:17 am IST)