Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સપ્તાહના પ્રારંભે શેરબજારમાં તેજીઃ સેંસેક્સ ૪૪૯ પોઈન્ટ અપ

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોને લીધે બજારમાં તેજી : નિફ્ટીમાં ૧૧૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, બેન્કિંગ અને નાણાંકીય શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી

મુંબઈ, તા. ૧૯ : વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને સ્થાનિક બજારોમાં બેંકિંગ અને નાણાકીય કંપનીઓના શેરમાં લેવાલીના પગલે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના સેન્સેક્સમાં ૪૪૯ પોઇન્ટનો ઉછાળો જોવાયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નિફ્ટી પર ૧૧,૮૫૦ પોઇન્ટની ઉપર પહોંચી ગયું હતું. બીએસઈ ૩૦ કંપનીના શેર્સ આધારિત સેન્સેક્સ  ૪૪૮.૬૨ પોઇન્ટ એટલે કે ૧.૧૨ ટકા વધીને ૪૦,૪૩૧.૬૦ પોઇન્ટ પર રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ ૧૧૦.૬૦ પોઇન્ટ એટલે કે ૦.૯૪ ટકા વધીને ૧૧,૮૭૩.૦૫ પોઇન્ટ પર હતો. સેન્સેક્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેક્ન પાંચ ટકાથી વધુ વધ્યો હતો. આ પછી એક્સિસ બેક્ન, નેસ્લે ઇન્ડિયા, સ્ટેટ બેંક, એચડીએફસી, ઓએનજીસી અને કોટક બેંકના શેરના ભાવમાં વધારો થયો હતો. તેનાથી વિપરિત, બજાજ ઓટો, ટીસીએસ, ભારતી એરટેલ, મહિન્દ્રા અને મહિન્દ્રા અને મારુતિના શેરમાં ઘટાડો થયો છે.

           વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળ્યા પછી સ્થાનિક બજારોમાં કામગીરીની શરૂઆત ઉછાળાના વલણથી થઈ. બેક્નિંગ, ફાઇનાન્શિયલ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં મુખ્ય લેવાલી જોવા મળી છે. હોંગકોંગ, ટોક્યો અને સિઓલના શેર બજારો સકારાત્મક વલણમાં બંધ થયા છે. બીજી તરફ, ચીનના જીડીપીના આંકડા જાહેર થયા પછી શાંઘાઇનું શેર બજાર તૂટી પડ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ પ્રતિ બેરલ ૦.૧૬ ટકા તૂટીને ૪૨.૬૭ યુએસ ડોલરે છે. તે જ સમયે, વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટીને ૭૩.૩૭ ની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં ઉછાળો હોવા છતાં, ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં સોમવારે ડોલર સામે રૂપિયો બે પૈસાની સામન્ય ગિરાવટ સાથે પ્રતિ ડોલરે ૭૩.૩૭  પર લગભગ સ્થિર બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૭૩.૩૮ . રૂપિયા પર ખુલ્યો અને કારોબારના અંતે ડોલર દીઠ માત્ર બે પૈસાના ઘટાડા સાથે રૂપિયા ૭૩.૩૭ પર બંધ રહ્યો. શુક્રવારે રૂપિયો ડોલર દીઠ ૭૩.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો ઊંચામાં ૭૩.૩૫ અને નીચામાં ૭૩. ૪૨ ની સપાટીએ ડોલર દીઠ પહોંચી ગયો છે. છ મુખ્ય વિદેશી ચલણોની તુલનાએ ડોલરની વધ-ઘટ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટીને ૯૩.૫૨ પર બંધ રહ્યો છે. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૪૪ ટકા ઘટીને  ૪૨.૭૪ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(7:31 pm IST)