Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પંજાબમાં કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ : ખેડૂતને ટેકાના ભાવથી નીચે પાક વેચવા મજબૂર કરાશે તો 3 વર્ષની જેલ

બંધારણ મુજબ કૃષિનો મુદ્દો રાજ્ય સરકારના હાથમાં છે, પરંતુ કેન્દ્રે સ્વયં નિર્ણય કર્યો જે નિયમોનું ઉલ્લંઘન

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે પ્રસ્તાવ રજૂ કર્યો છે. સોમવારથી પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં જે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં જો ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ઓછી કિંમતે પાક વેચવા પર મજબૂર કરાશે તો તેવા તત્વોને જેલની સજા પણ થઈ શકે છે. સાથે જ કોઈ કંપની કે વ્યક્તિ દ્વારા ખેડૂતોની જમીન, પાકને લઈને દબાણ ઉભું કરાય છે તો દંડ અને જેલની સજા જોગવાઈ પ્રસ્તાવમાં કરવામાં આવી છે.

પંજાબ સરકારે રજૂ કરેલા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાની ટીકા કરવામાં આવી છે. આ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ સીએમ અમરિંદર સિંહે જણાવ્યું કે કૃષિ કાયદા ઉપરાંત વીજ બિલમાં પણ જે ફેરફાર કરાયો છે, તે પણ ખેડૂતો તેમજ મજૂરોની વિરુદ્ધ છે. તેનાથી ફક્ત પંજાબ જ નહીં પરંતુ હરિયાણા અને પશ્ચિમ યુપીને પણ અસર થશે.

વિધાનસભામાં કેન્દ્રના કાયદા વિરુદ્ધ ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવ્યા જે કેન્દ્ર કરતા બિલકુલ અલગ છે અને એમએસપીને અનિવાર્ય બનાવે છે. પંજાબના મુખ્યમંત્રીએ રેલવે ટ્રેક પર બેઠેલા ખેડૂતોને અપીલ કરી કે હવે તેઓ વિરોધ પ્રદર્શન બંધ કરે અને કામ પર પરત ફરે, આ કાયદા વિરુદ્ધ હવે કાયદાકીય લડાઈ લડવામાં આવશે.

આ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને વટહુકમ લાવવા અપીલ કરવામાં આવી છે, જેમાં ટેકાના ભાવનો સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત સરકારી એજન્સીઓની પ્રક્રિયાને મજબૂત કરવા માગ કરાઈ છે. કેપ્ટન અમરિંદર સિંહે તમામને અપીલ કરતા જણાવ્યું કે રાજકીય પક્ષોએ આ મુદ્દે એક થવું પડશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર કટાક્ષ કરતા સીએમે જણાવ્યું કે કેટલાક લોકો વિધાનસભામાં રાત વિતાવીને વિરોધ કરે છે, કોઈ ટ્રેક્ટર પર આવે છે. આવું કરવાથી કંઈ જ નહીં થાય, જ્યાં સુધી આપણે કેન્દ્ર સામે એક થઈને લડત નહીં લડીએ ત્યાં સુધી વિરોધ પ્રદર્શનોથી કોઈ ફાયદો નહીં થાય. હવે વિધાનસભામાં લવાયેલા બિલોને આધારે કેન્દ્ર સામે કાયદાકીય લડત લડવામાં આવશે.

પ્રસ્તાવમાં એ વાતનો સમાવેશ કરાયો છે કે બંધારણ મુજબ કૃષિનો મુદ્દો રાજ્ય સરકારના હાથમાં છે, પરંતુ કેન્દ્રે સ્વયં નિર્ણય કર્યો છે જે નિયમોનું ઉલ્લંઘન છે. અંતિમ નિર્ણય રાજ્યના હાથમાં હોવો જોઈએ. સીએમ અમરિંદર સિંહ બાદ વિધાનસભા સત્રમાં નવજોત સિંહ સિધૂએ પણ પોતાની વાત રજૂ કરી હતી અને કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો

(1:27 pm IST)