Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

CBSE : ધોરણ-૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો

રજિસ્ટ્રેશનની તારીખ ૪ નવેમ્બરથી વધારીને ૧૯ નવેમ્બર કરાઇ

નવી દિલ્હી, તા. ર૦ : કોવિડ-૧૯ મહામારીના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થાને માઠી અસર થઇ છે ત્યારે વર્તમાન સમયમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની સમસ્યાને ધ્યાનમાં લઇ સીબીએસઇએ ધોરણ-૯ અને ધોરણ-૧રમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની મુદત ૧૯ નવેમ્બર સુધી લંબાવી છે. સીબીએસઇએ એક પરિપત્ર દ્વારા જાહેર કર્યું છે કે સીબીએસઇ બોર્ડ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓના ધોરણ-૯ અને ૧૧ના રજિસ્ટ્રેશનની સાથે એડ્વાન્સમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સ્કૂલ અને વાલીઓએ ખૂબ જ સમસ્યાઓનો સામનો કર્યો છે, જેને ધ્યાનમાં લઇ સીબીએસઇએ ધોરણ-૯ અને ૧૧માં એડમિશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ નોર્મલ ફી સાથે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૪ નવેમ્બર હતી, જે લંબાવીને ૧૯ નવેમ્બર કરવામાં આવી છે, જયારે લેટ ફી સાથે રજિસ્ટ્રેશનની મુદત ર૦ થી ર૮ નવેમ્બર સુધીની કરવામાં આવી છે. સ્કૂલ અને વાલીઓને આ સમયગાળામાં રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી લેવા તાકીદ કરાઇ છે. વિદ્યાર્થીઓને નોધણી માટે વધુ સમયગાળો આપવાની માગ કરવામાં આવી હતી તેને સીબીએસઇ દ્વારા સ્વીકારવામાં આવી છે.

હવે ધોરણ-૧૧માં વિષય પસંદગી માટે વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવી પડશે. જેમાં વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવી પડશે. જેમાં વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા પછી ધોરણ-૧૧માં વિષય પસંદગીને લઇ મુશ્કેલીમાં ન મૂકાય તેના માટે બોર્ડ દ્વારા 'નો યોર એપ્ટિટયૂડ' ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે.  ટેસ્ટ દ્વારા ધોરણ-૧૦ના પ્રવેશ પછી જ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વિશે જાણી શકાશે. સીબીએસઇ દ્વારા સ્કૂલો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ-૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે એપ્ટિટયૂડ ટેસ્ટ સ્કૂલ લેવલ પર ઓનલાઇન યોજાશે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. તેનાથી વિદ્યાર્થીઓ પસંદગીના વિષયો વિશે જાણી શકશે.

(4:01 pm IST)