Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સરકારે કહ્યું બધું હૃદયરોગના લીધે થયું

કર્ણાટકામાં રસી લીધાના ૨ દિવસ પછી ડોકટરનું મૃત્યુ

ડોકટરે રસી લીધા બાદ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી લેવા માટે આગળ આવવા માટેની પણ સલાહ આપી હતી

શિવમોગા તા. ૨૧ : કોવિડ-૧૯ રસી લીધાના બે દિવસ પછી કર્ણાટકાની ખાનગી હોસ્પિટલમાં બુધવારે ડોકટરનું મૃત્યું થઈ ગયું. જોકે, સરકારે કહ્યું છે કે, ૫૮ વર્ષના ડોકટરનું મૃત્યુ તેમની હૃદયની તકલીફના લીધે થયું છે નહીં કે રસી ના કારણે. ડો. જયપ્રકાશ ટીએ સુબ્બાઈહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ઓર્થોપેડિક તરીક ફરજ બજાવતા હતા. તેમને તેમના સાથી કર્મચારીઓ સાથે કોવિશિલ્ડ વેકિસન આપવામાં આવી હતી.

ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. રાજેશ સુરગીહાલ્લી જણાવે છે કે તેમને છાતીમાં દુખાવો થવાના કારણે બુધવારે સવારે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરે જણાવ્યું છે કે, 'તેમનું મૃત્યુ હૃદયની બીમારીના કારણે થયું છે.'

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ બુધવારે જણાવ્યું છે કે ડોકટરનું નિધન રસીના કારણે નહીં પરંતુ હૃદયની બીમારીના લીધે થયું છે.

મૃતક જયપ્રકાશના કાર્ડિયોલોજીસ્ટ ડો. નાગેન્દ્ર જણાવે છે કે તેમને ૨૦૧૩થી હૃદયને લગતી બીમારી હતી. તેમનું નિધન રસીના કારણે નહીં પરંતુ હૃદયની બીમારીના કારણે થયું છે.

સુબ્બાઈહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. એસએમ કટ્ટી જણાવે છે કે, 'જાન્યુઆરી ૧૮મીએ મે પણ જયપ્રકાશ સાથે રસી લીધી હતી, અમને બધાને કશું નથી થયું.' DHO જણાવે છે કે, 'રસી લીધા પછી જયપ્રકાશે સોશિયલ મીડિયા પર તસવીર પણ શેર કરી હતી અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લેવા માટે આગળ આવવા જણાવ્યું હતું.'

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર પંકજ કુમાર પાંડે જણાવે છે કે, જયપ્રકાશે રસી લીધા બાદ તેમના કલાસ પણ લીધા હતા. 'તેમને ડાયબિટિસની પણ હતો અને તેમની અગાઉ બાયપાસ સર્જરી પણ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ જણાવે છે કે તેમનું નિધન હૃદયરોગના હુમલાના કારણે થયું છે, AEFI આ કેસની વધુ તપાસ કરે છે.'

(10:08 am IST)