Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સુપ્રીમ કોર્ટમાં વેબ સીરિઝ મિર્ઝાપુર વિરુદ્ઘ PIL

કેન્દ્ર, એમેઝોન પ્રાઈમ અને ડિરેકટરને નોટિસ : અરજીમાં યુપીના જિલ્લાના નામનો ઉલ્લેખ કરી તેને ખોટી રીતે દર્શાવવાનો આક્ષેપ કરાયો

નવી દિલ્હી, તા.૨૧: સુપ્રીમ કોર્ટમાં એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સીરિઝ મિર્ઝાપુર વિરુદ્ઘ જાહેર હિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સીરિઝના નિર્માતા એમેઝોન પ્રાઈમ વીડિયો પાસેથી જવાબ માંગ્યો છે. ઉત્તર પ્રદેશ સ્થિત મિર્ઝાપુરને ખોટી રીતે દર્શાવવાના આરોપ બદલ કેન્દ્રે અને સીરિઝના ડિરેકટરને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેન્ટ દર્શાવતા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયોને પણ નોટિસ મોકલી છે.  

અરજીકર્તા એસ. કે. કુમારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટના નિયમનની માંગ કરી હતી. અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, વેબ સીરિઝમાં જિલ્લાનું ખોટી રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને મિર્ઝાપુરને ગેંગવોર અને ગેરકાયદે પ્રવૃતિઓના અડ્ડા તરીકે દર્શાવાયું છે. આનાથી જિલ્લાની છબિ ખરડાઈ છે. અગાઉ પણ આ સીરિઝ વિરુદ્ઘ મિર્ઝઆપુરના જનપદમાં કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે આ સીરિઝમાં હકીકતથી વિરુદ્ઘ ગામને દર્શવવામાં આવ્યું છે, હકીકતમાં આવું કંઈ જ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સીરિઝ ધાર્મિક, સામાજિક અને ક્ષેત્રીય ભાવનાઓને ઠેંસ પહોંચાડી રહી છે

તાજેતરમાં એક સાચો કિસ્સો બન્યો હતો જેમાં ઈન્ટરવ્યૂમાં એક યુવકને એટલા માટે અપમાનિત કરીને તગેડી મુકવામાં આવ્યો કારણ કે તે મિર્ઝાપુર જિલ્લાનો રહેવાસી હતો. એમેઝોનની હાલમાં રીલિઝ થયેલી તાંડવ સીરિઝને લઈને પણ વિવાદ ઉઠ્યો હતો જેમાં મેકર્સે માફી પણ માંગવી પડી હતી. ત્યારબાદ એમેઝોનની વેબ સીરિઝ મિર્ઝાપુરનો વિવાદ પણ સપાટી પર આવ્યો હતો. મિર્ઝાપુરની બન્ને સીઝન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થઈ હતી.

(3:17 pm IST)