Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અર્થતંત્રની ગાડી હજી પાટે નથી ચઢી : આરબીઆઈ

કોરોનાના મારથી અર્થતંત્રને બેઠું કરતાં હજુ વર્ષો નીકળી જશે! :નોન બેંકિંગ ફાયનાન્સીયલ કંપનીઓ પડી ભાંગી છે એ ચિંતાનો વિષય ટેકસ કલેકશનમાં ૨૨.૫ ટકાનો ઘટાડો

નવીદિલ્હીઃ આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કહ્યુ હતુ કે આર્થિકરીતે પડેલ ફટકમાંથી બેઠા થતાં હજી પણ લાંબો સમય લાગી શકે તેમ છે અને કેન્દ્રીય બેન્ક વિકાસને ટેકો આપવા યોગ્ય પગલા લેવા તૈયાર છે. ઔદ્યોગિક સંસ્થા ફિક્કી (Federation of Indian Chambers of Commerce & Industry -FICCI) દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધતા દાસે કહ્યુ હતુ સરકાર દ્વારા જાહેર કરાયેલા કુલ ઘરેલુ ઉત્પાદનના (GDP) આંકડાઓ કોવિડ-૧૯ના કારણે થયેલી ઉથલપાથલ દર્શાવે છે. સરકાર દ્વારા માર્ચના અંતમાં લગાવેલા સખત લોકડાઉનના કારણે એપ્રિલ-જૂન દરમિયાન અર્થતંત્રમાં ૨૩.૯ ટકા જેટલો ઘટાડો થયો હતો.

તેમણે કહ્યુ હતુ, 'તે છતાં કૃષિ ક્ષેત્રે તેજી, ઉત્પાદન માટે પર્ચેસીંગ મેનેજરનું ઈન્ડેકસ (PMI) અને બેરોજગારી પર અમુક ખાનગી અંદાજ વર્તમાન વર્ષની બીજી ત્રિમાસિકમાં આર્થિક ગતિવિધીઓમાં સ્થિરતા તરફ સંકેત કરે છે, જયારે અન્ય કેટલાક સેકટરોમાં થઈ રહેલો ઘટાડો પણ શાંત પડયો છે.' દાસે વધુમાં કહ્યુ હતુ 'જો કે આર્થિક રિકવરી હજી સુધી પૂરી રીતે સ્થાપિત નથી થઈ અને તે રિકવરી તબકકાવાર રીતે થશે કારણ કે વધી રહેલા ચેપ સાથે અર્થતંત્રને ખોલવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે નોંધ્યું કે નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (Non-bank financial institution – NBFC) પડીભાંગી એ પણ મોટી ચિંતાનો વિષય છે. તેના ઉપર આરબીઆઇ દેખરેખ રાખી રહી છે.

કુલ ટેકસ કલેકશનમાં ૨૨.૫ ટકાનો ઘટાડો આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર,બીજા કવાર્ટરમાં એડવાન્સ ટેકસ કલેકશન સહિતના કેન્દ્રનો કુલ ટેકસ કલેકશન ૧૫ સપ્ટેમ્બર સુધી ૨૨.૫ ટકા ઘટીને રૂ. ૨,૫૩,૫૩૨.૩ કરોડ થયો છે. સૂત્રોએ પ્રોવિઝનલ ડેટા વિશે કેટલીક વિગતો શેર કરી છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ પૂરા થયેલા સમાન સમયગાળા દરમિયાન, કુલ વેરા વસૂલાત રૂ. ૩,૨૭,૩૨૦.૨ કરોડ થયુ હતુ, આ આંકડો હંગામી ધોરણે છે.જૂનમાં પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કુલ કર વસૂલાત ૩૧ ટકા ઘટીને એડવાન્સ ટેકસ મોપ-અપમાં ૭૬ ટકાના મોટા ઘટાડાથી ઘટી ગયુ હતુ, કારણ કે દેશમાં રોગચાળાને કારણે સંપૂર્ણ લોકડાઉન થઈ ગયુ હતુ. ૧૫ સપ્ટેમ્બર સુધીના કુલ કલેકશનમાંથી, કરદાતાઓ, બંને વ્યકિતઓ અને કંપનીઓ, ત્રિમાસિક ગાળા માટે એડવાન્સ ટેકસ ચૂકવવાનું માનવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરે વ્યકિતગત આવકવેરો રૂ. ૧,૪૭,૦૦૪.૬ કરોડ અને કોર્પોરેશન ટેકસ રૂ. ૯૯,૧૨૬.૨ કરોડ છે, જે કુલ રૂ. ટેકસની આવકના બે મુખ્ય ઘટકો રૂ. ૨,૪૬,૧૩૦.૮ કરોડ છે, એમ સૂત્રએ જણાવ્યુ હતુ.

(2:46 pm IST)