Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગુજરાત સહિત કુલ ૭ રાજયોમાં મૃત્‍યુદર રાષ્‍ટ્રીય સરેરાશથી વધુઃ સપ્‍ટેમ્‍બરમાં રોજ ૧૦૦૦થી વધુ

૧૧ દિવસથી નોંધાય છે ૯૦,૦૦૦થી વધુ કેસ : સૌથી વધુ મૃત્‍યુદર પંજાબમાં ૨.૮૯ ટકા, ગુજરાત બીજા નંબરે રાષ્‍ટ્રીય મૃત્‍યુદર ૧.૬૧ ટકા

નવી દિલ્‍હી, તા.૨૧: ભારતમાં દિલ્‍હી સહિત દેશના સાત રાજયોમાં કોરોના દર્દીઓનો મૃત્‍યુદર વધારે છે જેના કારણે રોજે રોજ એક હજારથી પણ વધારે મોત જાહેર થઇ રહ્યા છે. જો કે દેશમાં કોરોના દર્દીઓનો મૃત્‍યુદર ૧.૬૧ છે જે વૈશ્‍વિક સરેરાશ દર ૩.૧થી લગભગ અર્ધો છે.

દિલ્‍હી ઉપરાંત તમિલનાડુ, પમિ બંગાળ, મધ્‍યપ્રદેશ, પંજાબ, મહારાષ્‍ટ્ર અને ગુજરાતમાં મૃત્‍યુદર વધારે છે. દિલ્‍હીમાં મૃત્‍યુદર ૨ ટકાની આજુબાજુ છે. પંજાબમાં મૃત્‍યુદર સૌથી વધારે ૨.૮૯ ટકા છે, ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં ૨.૭૧ છે.

બંગાળ, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને દિલ્‍હીમાં ૨૧ દિવસ પહેલા પણ મૃત્‍યુ દર ૨ થી ૩ ટકાની વચ્‍ચે હતો. આ બધા રાજયોમાં મૃત્‍યુદર ઘટયો પણ હજુયે તે ચિંતાજનક જ છે. દેશમાં સપ્‍ટેમ્‍બર મહિનામાં એક પણ દિવસ એવો નથી કે જેમાં એક હજારથી ઓછા મોત થયા હોય. આ મહિનામાં લગભગ ૨૨ હજાર મોત થયા છે જે દેશમાં અત્‍યાર સુધીમાં થયેલા કુલ મોતનો એક ચતુર્થાસ છે. ભારતમાં નવ સપ્‍ટેમ્‍બરથી સતત (૧૪ સપ્‍ટેમ્‍બર સિવાય) રોજના ૯૦ હજારથી ઉપર કેસ આવી રહ્યા છે. ૧૬ સપ્‍ટેમ્‍બરે અત્‍યાર સુધીના હાઇએસ્‍ટ ૯૭૮૫૯ કેસ આવ્‍યા હતા.

(2:49 pm IST)