Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કુરનૂલમાં 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળતા ખળભળાટ : 4 ખાનગી સ્કૂલો બંધ કરવાના આદેશ

રાજ્ય સરકારે 2 નવેમ્બરથી રાજ્યની દરેક સ્કૂલો ખોલવાનો લીધો છે નિર્ણય

આંધ્ર પ્રદેશની સરકારે 2 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં સ્કૂલો ખોલવાની જાહેરાત કરી  છે.આ દરમિયાન અધિકારીઓએ રાજ્યના કુરનુલ જિલ્લામાં ખાનગી સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અહીંની સ્કૂલોમાં ભણતા 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

ધી ન્યૂઝ મિનિટના એક રિપોર્ટ અનુસાર, આ ચાર ખાનગી સ્કૂલોમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરનારા 27 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત મળી આવ્યાં છે. જે બાદ જિલ્લા કલેક્ટરે ચારેય સ્કૂલોને 10 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ખાનગી સ્કૂલોમાં 27 કોરોનાના પોઝિટિવ કેસ  સામે આવ્યા બાદ કુરનુલ જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી સ્કૂલોને ચેતવણી આપતા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો સખ્ત આદેશ આપ્યો છે.

જિલ્લા કલેક્ટરે તમામ 27 સંક્રમિત વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવાનો આદેશ આપ્યો છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. આંધ્ર પ્રદેશ સરકારે અડધો દિવસ સ્કૂલો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે.

 

રાજ્ય સરકારના આદેશ અનુસાર, મધ્યાહન ભોજન બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવશે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ધોરણ 1,2,5,7,9ના એક દિવસે અને 2,4,6,8ના બીજા દિવસે ક્લાસ લેવાશે. 750થી વધુ વિદ્યાર્થીઓ વાળી સ્કૂલોમાં દર અઠવાડિયે બે દિવસ કાર્ય દિવસ રહેશે, જ્યારે 750થી ઓચા વિદ્યાર્થીઓ વાળી સ્કૂલોમાં પ્રતિ સપ્તાહ ત્રણ કાર્ય દિવસ હશે.

આ દરમિયાન હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે. ભીડ એકઠી થતી રોકવા માટે વિદ્યાર્થીઓને નાના ક્લાસોમાં વિભાજિત કરી દેવામાં આવશે. આ ગાઈડલાઈન નવેમ્બરમાં લાગૂ કરવામાં આવશે. આગળનો નિર્ણય ડિસેમ્બરમાં લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલો નથી આવી શકતા, તેમના માટે ઑનલાઈન અભ્યાસ ચાલી રહેશે.

(6:45 pm IST)