Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પાકિસ્તાનમાં છેલ્લા સપ્તાહમાં કોરોનાથી મૃત્યુ દર ૧૪૦ ટકા

કોરોના વાયરસ નિયંત્રણ હોવાનો પાક.નો પોકળ દાવો : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને લઈ ચિંતા વ્યક્ત કરી

ઈસ્લામાબાદ, તા.૨૧ : દુનિયાભરમાં કોરોના વાયરસ સનસનાટી મચાવી રહ્યો છે પરંતુ કંગાળ પાકિસ્તાનમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી ગયો હોવાની ગુલબાંગો ઝીંકવામાં આવી રહી હતી. પરંતુ ધીમે ધીમે પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાનમાં છેલ્લા એક સપ્તાહમાં સંક્રમણથી થતા મૃત્યુનો દર ૧૪૦% વધી ગયો છે. પાકિસ્તાનના મંત્રી અસદ ઉમરે મંગળવારે આ માહિતી આપી હતી. વડાપ્રધાન ઈમરાન ખાને પણ કોરોનાની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનના મંત્રી અસર ઉમરે કહ્યું હતું કે, આપણે કોરોનાને લગતા દિશા-સૂચનોનું પાલન નહીં કરીને મોટી ભૂલ કરી રહ્યા છીએ. આ દિશા-સૂચનોથી સારા પરિણામો જોવા મળતા હતા, તેનું પાલન કરવું જોઈએ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વધી રહેલા સંક્રમણને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે દેશના કેટલાક શહેરોમાં આગામી મહિનાઓમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ શકે છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.

હજીએ બે સપ્તાહ અગાઉ પહેલા સુધી પાકિસ્તાન સંક્રમણ કાબૂમાં હોવાની વાત કરતુ હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ પાકિસ્તાનની આ માટે પ્રશંસા કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૨૩ હજાર ૪૫૨ સંક્રમિત મળ્યા છે અને ૬,૬૫૯ મૃત્યુ થયા છે.

એક અહેવાલ પ્રમાણે ચીનમાં પેક્ડ ફ્રોઝન ફૂડના પેકેટ પર કોવિડ-૧૯ વાયરસ મળ્યા છે. તેનો અર્થ એ થાય છે કે કોરોના વાયરસ કોલ્ડ સપ્લાય ચેઈનમાં જીવિત રહી શકે છે. ચીન માટે આ બાબત ચિંતાજનક છે. શનિવારે સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં એવું માનવામાં આવ્યુ હતું કે ક્વિનદાઓ પ્રાંતના એક સ્ટોરમાં ફ્રોઝન ફૂડમાં વાયરસ જોવા મળ્યા છે. રિસર્ચરને શંકા છે કે આ વાયરસ આ શહેરના એક ક્લસ્ટરથી ત્યાં પહોંચ્યા છે. આ અગાઉ પણ આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પણ ત્યારે વાયરસ જીવિત હોવાના પૂરાવા મળ્યા ન હતા.

(7:22 pm IST)