Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બોલરોએ તરખાટ મચાવતા કોલકાતા ઘૂટણીંયે : બેંગ્લોરનો 8 વિકેટે શાનદાર વિજય

મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 8 રન આપી 3 વિકેટ અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી: બેંગ્લોરે માત્ર 13,3 ઓવરમાં મેચ જીતી લીધી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ની 39મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. જેમાં RCB KKRને 8 વિકેટ હરાવ્યું હતું. કોલકાતાનું પ્રદર્શન ખૂબ સામાન્ય રહ્યું હતુ. તેણે RCBને માત્ર 85 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને RCB બે વિકેટના નુકશાને 13.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. સીઝનની ગત મેચમાં પણ RCB KKRને હરાવ્યું હતુ.

કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં કોલકાતાએ 4 વિકેટ ગુમાવી દીધા હતી. KKR પાવર પ્લેમાં માત્ર 17 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 1, ત્રિપાઠી 1, નિતિશ રાણા 0 અને ટોમ બેંટને 10 રન બનાવી આઉટ થયા હતા. દિનેશ કાર્તિકે બેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કેપ્ટનશીપ છોડી હતી. પરંતુ અત્યાર સુધી તેના બેટથી રન આવ્યા નથી. આજે પણ તે 14 બોલમાં 4 રન કરી આઉટ થયો હતો.

KKRને એક છેડે કેપ્ટન ઇઓન મોર્ગનનો સાથ મળ્યો હતો, પરંતુ બીજા છેડે ટીમના એક પણ પ્લેયરે તેનો સાથ આપ્યો ના હતો અને અંતે તે પણ 30 રન કરી આઉટ થયો હતો. તે સિવાય પેટ કમિન્સ 4, કુલદીપ યાદવ 12 અને લોકી ફર્ગ્યુસને 19 રન બનાવ્યા હતા. KKR 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 84 રન બનાવ્યા હતા.

છેલ્લી ઘણી સીઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ને સારા બોલિંગ યુનિટની કમી વર્તાઇ રહી હતી. પરંતુ સીઝનમાં RCB પાસે સારી બોલિંગ યુનિટ છે અને અપેક્ષા મુજબ પ્રદર્શન પણ કરી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની આજની મેચમાં RCBના બોલરોએ તરખાટ મચાવ્યો. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 8 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે સિવાય યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદિપ સૈની અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ ઝડપી અને કોલકાતાને 84 રને રોક્યો.

કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 85 રનનો લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યને RCB સફળતાપૂર્વક પ્રાપ્ત કરી લીધો હતો. RCBને એરોન ફિંચે અને દેવદત્ત પડ્ડીકલે સારી શરૂઆત અપાવી હતી. RCB એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાવર પ્લેમાં 44 રન બનાવી દીધા હતા. RCBની પ્રથમ વિકેટ 46 રન પર પડી હતી. એરોન ફિંચ 16 રન કરી આઉટ થયો હતો. તે સિવાય દેવદત્ત પડ્ડીકલ 17 બોલમાં 25 રન કર્યા હતા. અંતે RCBને કેપ્ટન વિરાટ કોહલી અને ગુરકિરત માને જીત અપાવી હતી. RCB બે વિકેટ ગુમાવી 13.3 ઓવરમાં 85 રનનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેનોએ તેમના બોલરોને 85 રન ડિફેન્ડ કરવા માટે આપ્યા હતા. KKRની બોલિંગ સામાન્ય રહી હતી. KKRના બોલરોએ RCBની માત્ર બે વિકેટ પાડવામાં સફળ રહ્યા હતા. લોકી ફર્ગ્યુસને એક વિકેટ લીધી જ્યારે એક રન આઉટ થયો હતો.

 

(11:07 pm IST)