Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તૃણમુલ સાંસદ શાંતનુ સેન આખા સત્ર માટે રાજયસભામાંથી સસ્પેન્ડ

IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખનારા

નવી દિલ્હી, તા. ર૩ :  સંસદના ચોમાસા સત્રનો આજે ચોથો દિવસ છે. IT અને સંચાર મંત્રીના હાથમાંથી પેપર ફાડીને ફેંકનારા શાંતનુ સેનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. સંસદના ચોમાસુ સત્રમાં પેગાસસ જાસૂસી કાંડ, ખેડૂત આંદોલન, બીજી લહેરમાં કોરોનાથી થયેલા મોતના મુદ્દાના કારણે અત્યાર સુધી બંને સદન સુચારુ ઢબે ચાલી શક્યા નથી. ગુરુવારે તો એવી સ્થિતિ ઊભી થઈ કે રાજ્યસભામાં જ્યારે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પેગાસસ જાસૂસી કાંડ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી સ્ટેટમેન્ટનું પેપર લઈને ટીએમસી સાંસદ શાંતનુ સેને ફાડી ઉપસભાપતિ સામે ઉછાળ્યું હતું.

તૃણમૂલ કોંગ્રેસના સભ્ય શાંતનુ સેનને એક દિવસ પહેલાના અશોભનીય વર્તન બદલ રાજ્યસભાના હાલના સત્રમાં બાકીના સમય માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. સેને ગુરુવારે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન આઈટી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવી લીધો હતો અને ત્યારબાદ ટુકડા કરી હવામાં ઉછાળ્યો હતો. શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકી સત્ર દરમિયાન સદનની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહ્યું.

રાજ્યસભામાં સરકારે આજે શાંતનુ સેનને સદનની બાકીની કાર્યવાહીથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)