Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નાથદ્વારામાં ૧ નવેમ્બરથી દર્શન ખુલવાની સંભાવના નથી

દેવસ્થાન સચિવે મંદિરની મુલાકાત લીધીઃ નિયમોનો કડક અમલનો આદેશ

નાથદ્વારા, તા.૨૬: આરાધ્ય પ્રભુ શ્રીનાથજીના દર્શન કરનાર સ્થાનીક શ્રધ્ધાળુઓને કાલ સુધી જ દર્શનનો લાભ મળી શકશે. ત્યારબાદ ૧ નવેમ્બરથી દરેકને  દર્શન માટે મંદિર ખોલવાની સંભાવના ઓછી છે. દેવસ્થાન અને પર્યટન વિભાગના પ્રમુખ શાસન સચિવ આલોક ગુપ્તાએ પણ દર્શન વ્યવસ્થામાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું કડકાઇથી પાલન કરવાની સાથે આ પ્રકારની જ વ્યવસ્થા ચાલુ રાખવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.

મંદિરના સૂત્રો મુજબ શ્રીનાથજી પ્રભુના દર્શન બધા શ્રધ્ધાળુઓ માટે ખોલવાની ૧ નવેમ્બરથી સંભાવના ઓછી છે. તેવામાં કાલથી સ્નાનીય શ્રધ્ધાળુઓને પણ દર્શનનો લાભ નહી મળે. દર્શન ન ખોલવાને લઇને મંદિર મંડળના મુખ્ય અધિકારી જીતેન્દ્રકુમાર ઓઝાએ જણાવેલ કે મંદિરની અંદર પણ થોડુ કામ કરાવવાનું છે. ત્યારબાદ કલેકટર દ્વારા નિર્ણય કરાશે. બહારથી આવતા શ્રધ્ધાળુઓ માટે ઓનલાઇન બુકીંગ માટેનો સોફટવેર પણ તૈયાર કરાવાઇ રહ્યો છે.

જયારે મંદિરના રસ્તા ઉપર પણ કોટાસ્ટોન લગાડવાનું કામ ચાલી રહ્યુ છે, જે પુરૂ થઇ જશે. બીજી તરફ તંત્રની વ્યવસ્થાને જોવા જઇએ તો પ્રભુજીના દર્શન દીવાળીથી પહેલા પ નવેમ્બર આસપાસ ખોલવામાં આવી શકે છે.

બ્રાહ્મણ મહાસભા નગર કાર્યકારીણી અને મહિલા વિંગ દ્વારા સંયુકત રીતે શ્રીનાથજી પ્રભુના દર્શન માટે સમાજના ૫૦ વર્ષથી વધુના મહિલાઓ અને પુરૂષોનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન ઘરે-ઘરે પહોંચાડાય રહ્યા છે. સમાજના યુવાનો દ્વારા આ કાર્ય કરાઇ રહ્યુ છે. અત્યાર સુધીમાં ૪૫ રજીસ્ટ્રેશન ભરાઇ ચૂકયા છે અને ટોકન અપાય ગયા છે હજુ પણ રજીસ્ટ્રેશન કાર્ય ચાલુ જ છે.

મહાસભાના જીલ્લા મહામંત્રી અને પ્રવકતા સુધીર પુરોહીત, નાથદ્વારા નગર અધ્યક્ષ જીતેન્દ્ર સનાઢય, ખજાનચી સંદીપ સનાઢય, સંગઠન મંત્રી મુકેશ ત્રિપાઠી, મહિલા ટીમના મોનીકા સનાઢય, જયોત્સના સનાઢય, વિદ્યા પાલીવાળ, ઉમા સનાઢય રજીસ્ટ્રેશનનું કાર્ય સંભાળી રહ્યા છે.

દર્શન અંગે જલ્દી નિર્ણય લેવાશેઃ કલેકટર

રાજસમંદ જીલ્લા કલેકટરશ્રી અરવિંદ પોસવાલે જણાવેલ કે દર્શન વ્યવસ્થા માટે દેવસ્થાન સચિવોના નિર્દેશોનું પાલન કરાશે. ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સીંગનું પણ કડકાઇથી અમલ કરાશે. દર્શન ખોલવા અંગે પણ જલદીથી નિર્ણય લેવાશે

(2:36 pm IST)