Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સપ્ટે.થી મોડેથી GST ભરશો તો નેટ ટેક્સ પર વ્યાજ ગણાશે

અત્યાર સુધી ગ્રોસ ટેક્સ પર વ્યાજ ગણાતું હતું : અગાઉ ઉદ્યોગ દ્વારા વિલંબથી ભરાતા જીએસટી પરના ૪૬,૦૦૦ કરોડના ન ચૂકવાયેલા વ્યાજ અંગે ચિંતા હતી

નવી દિલ્હી, તા.૨૬  :   આર્થિક મંદીમાં મધ્ય અને નાના વેપારીઓની કમર તોડી નાંખે તેવી એક જાહેરાતમાં કેન્દ્ર સરકારે જીએસટી પર ૧લી સપ્ટેમ્બરથી નેટ ટેક્સ ઉપર વ્યાજ વસૂલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ઉદ્યોગ દ્વારા વિલંબથી ભરાતા જીએસટી પરના ૪૬,૦૦૦ કરોડના ન ચૂકવાયેલા વ્યાજ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. ગ્રોસ ટેક્સ પર આ વ્યાજ ગણવામાં આવતું હતું. જો કે હવે ૧લી સપ્ટેમ્બરથી વેપારીઓએ વિલંબથી ભરાતા જીએસટી પર નેટ ટેક્સ જવાબદારી પર વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. 

કેન્દ્ર તેમજ રાજ્યના નાણા મંત્રીઓની જીએસટી કાઉન્સિલે માર્ચમાં ૩૯મી મીટિંગમાં જીએસટી ભરવામાં થતા વિલંબના કિસ્સામાં ૧લી જુલાઈ ૨૦૧૭થી અમલી થાય તે મુજબ નેટ ટેક્સ ઉપર જ વ્યાજ ગણવામાં આવશે અને આ માટે કાયદામાં પણ પાશ્ચાતવર્તી સંશોધન કરાશે તેવો નિર્ણય કર્યો હતો. કેટલાક કિસ્સામાં વેપારીઓ જીએસટી વિલંબથી ભરે છે પરંતુ તેના પર ચડેલું વ્યાજ ચૂકવતા નથી. ગ્રોસ લાયેબિલિટી પર ટેક્સ ભરવો કે નેટ લાયેબિલિટી પર તે અંગે અસમંજસતા રહેલી છે. વિલંબધી ચૂકવવામાં આવતા જીએસટી પર સરકાર ૧૮ ટકા વ્યાજ વસુલે છે.

૨૫ ઓગસ્ટના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ નેટ ટેક્સ પર વ્યાજ ગણતરી કરવા માટે ૧લી સપ્ટેમ્બર નોટીફાઈ કરી હતી. સીબીઆઈસીએ એક નિવેદનમાં સ્પષ્ટ કરતા જણાવ્યું કે વિલંબથી ચૂકવવામાં આવતા જીએસટી પર વ્યાજ અંગેનું નોટિફિકેશન ટેક્નિકલ મર્યાદાઓને લીધે સંભવિત જાહેર કરાયું છે. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ૩૯મી જીએસટી બેઠકમાં લેવાયેલા નિર્ણય અગાઉના ગાળામાં કેન્દ્ર કે રાજ્ય કર વહીવટી તંત્ર કોઈ રિકવરી નહીં કરે.એમઆરજી એડ એસોસિએટ્સના વરિષ્ઠ પાર્ટનર રજત મોહને જણાવ્યું કે સંભવિત લાભનો એ અર્થ થયો કે કર ચૂકવતા લાખો વેપારીઓ સમક્ષ હવે જીએસટીના અમલથી ત્રણ વર્ષના ગાળાનું વ્યાજ માંગવાનો પ્રશ્ન ઉભો થશે. વેપારીઓ હવે એસ્ટોપેલના સિદ્ધાંતને આધારે આ અન્યાયી અને ગેરકાયદે કરની માગણીને હાઈકોર્ટોમાં પડકારી શકે છે.        સીબીઆઈસીએ અગાઉ જણાવ્યું હતું કે જીએસટી કાયદો વિલંબથી ચૂકવવામાં આવતા ટેક્સ પર વ્યાજની ગણતરી ગ્રોસ ટેક્સ લાયેબિલિટીને આધારે કરવા મંજૂરી આપે છે.

આ બાબતે તેલંગાણા હાઈકોર્ટે ૧૮ એપ્રિલ ૨૦૧૯ના ચુકાદો આપ્યો છે.ગ્રોસ જીએસટી લાયેબિલિટીમાંથી ઈનપૂટ ટેક્સ ક્રેડિટ બાદ કરીને નેટ જીએસટી લાયેબિલિટી મળે છે. એટલા માટે ગ્રોસ જીએસટી લાયેબિલિટી મુજબ વ્યાજની ગણતરી કરવાથી વેપારી પર ભારણ વધી જાય છે.  કમ્પોઝિશન યોજના હેઠળ નોંધાયેલા તેમજ ત્રિમાસિક રિટર્ન ભરતા વેપારીઓ સિવાયના અન્ય નોંધાયેલા ઉદ્યોગો દ્વારા જીએસટીઆર-૧ને જે તે મહિનાની ૧૧મી તારીખે કર જવાબદારી સાથે ભરવું પડે છે અને ટેક્સની ચૂકવણી જીએસટીઆર-૩મ્ મારફતે ૨૦-૨૪ તારીખે (સંબંધિત રાજ્યમાં નોંધાયેલા વેપાર ઉદ્યોગ માટે તારીખો જુદી જુદી હોય છે) ચૂકવતા હોય છે.

(12:00 am IST)