Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કેન્દ્રીય માહિતી પંચનો ચૂકાદો

પતિનું આવકવેરા રિટર્ન ન જોઇ શકે પત્ની

આવકવેરા વિભાગમાં જમા કરાવેલ દસ્તાવેજ જાહેર ગતિવિધી નથી

નવી દિલ્હી તા. ૨૭ : વાત જ્યારે અંગતતાની આવે ત્યારે કાયદો પતિ અને પત્નીના સંબંધો પર પણ લાગુ પડશે. કેન્દ્રીય માહિતી પંચે આ બાબતે એક ચૂકાદો આપ્યો છે કે પતિ દ્વારા ફાઇલ કરાયેલ આવકવેરા રિટર્નની માહિતી પત્નીને ન આપી શકાય. તે આરટીઆઇ એકટની કલમ ૮(૧)(જે) હેઠળ છૂટના દાયરામાં આવશે.

કેન્દ્રીય માહિતી પંચે પોતાના આદેશમાં કહ્યું કે આવકવેરા વિભાગમાં કોઇ વ્યકિત દ્વારા જમા કરાયેલ આવકવેરા રિટર્ન જાહેર ગતિવિધી નથી તે એક કર્તવ્ય છે, જે વ્યકિત દેશ પ્રત્યે નિભાવે છે. આ માહિતી અરજદારને ન આપી શકાય, કેમકે તેમાં કોઇ વ્યાપક જનહીત નથી સમાયેલું.

આ કેસમાં પત્નીએ આવકવેરા વિભાગમાં આરટીઆઇની અરજી કરીને પોતાના પતિના આવકવેરા રિટર્નની માહિતી માંગી હતી, જેની સાથે તેના સંબંધો બગડી ગયા હતા. આવકવેરા વિભાગે તેની અરજીને એવું કહીને ફગાવી દીધી હતી કે આવકવેરા રિટર્ન ગુપ્ત હોય છે અને તેને આરટીઆઇની કલમ ૮(૧)(જે) હેઠળ છૂટ મળેલી છે. આ કિસ્સો બેંગલોરનો છે.

આ મામલો પછી કેન્દ્રીય માહિતી પંચ સુધી પહોંચ્યો અને માહિતી કમિશનર નીરજકુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અપાયેલ સલાહનો હવાલો આપતા કહ્યું કે, પતિ - પત્નીના અંગત ઝઘડામાં કલમ ૮(૧)(જે)ના સંરક્ષણને ત્યાં સુધી ન હટાવી શકાય જ્યાં સુધી અરજદાર એમ સાબિત ન કરે કે આમા અત્યંત વ્યાપક જનહિત સમાયેલું છે. પંચે કહ્યું કે, આરટીઆઇ કાનૂન ૨૦૦૫ અનુસાર પતિ આ કેસમાં થર્ડ પાર્ટી છે.

(11:27 am IST)