Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સોનામાં ૭૦૦-ચાંદીમાં ૧પ૦૦ રૂ.નો ઉછાળો

બુલીયન માર્કેટમાં કરેકશન બાદ પુનઃ તેજીનો ચળકાટ : સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ વધીને પ૩૭૦૦ અને ચાંદીના ભાવ ૬૭૦૦૦ રૂ. થયા

રાજકોટ તા. ર૭ :.. બુલીયન માર્કેટમાં કરેકશન બાદ આજે ફરી તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. સોનામાં ૧૦ ગ્રામે ૭૦૦ અને ચાંદીમાં કિલોએ ૧પ૦૦ રૂ.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૭૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ પ૩૦૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે પ૩,૭૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૭૦૦૦ રૂ.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ પ,૩૦,૦૦૦ રૂ. હતા. તે વધીને આજે પ,૩૭,૦૦૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧પ૦૦ રૂ. વધી ગયા હતાં. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૬પ,પ૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૬૭,૦૦૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

અત્રે એ નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે સતત તેજીના કારણે એક તબકકે સોનાના ભાવ પ૭,રપ૦ અને ચાંદીના ભાવ ૭ર,૦૦૦ રૂ.ની સપાટીએ પહોંચી ગયા હતાં. જો કે, બાદમાં કરેકશન બાદ બન્ને કિંમતી ધાતુઓના ભાવો ક્રમશ ઘટી ગયા હતાં. આજથી ફરી તેજી જોવા મળતા આગામી દિવસોમાં હજુ પણ ભાવો વધે તેવી શકયતા હોવાનો ઝવેરી બજારના સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(2:49 pm IST)