Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

SC-ST કોટામાં કેટેગરીના આધારે અનામતના ચુકાદા પર ફરીથી વિચારવાની જરૂર : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે અગત્યનો ચુકાદો આપતા કહ્યું છે કે રાજ્ય અનામત માટે SC-ST સમુદાયમાં પણ કેટેગરી બનાવી શકે છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે અગત્યનો ચુકાદો આપતાં કહ્યું છે કે રાજય અનામત માટે SC/ST સમુદાયમાં પણ કેટેગરી બનાવી શકે છે. કોર્ટે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી SC/STમાં આવનારી કેટલીક જાતિઓને બીજાઓની તુલનામાં અનામત માટે પ્રાથમિકતા આપી શકાય. આ પહેલા ૨૦૦૪માં ઈવી ચિન્નૈયા વિરૂદ્ઘ આંધ્ર પ્રદેશ રાજય મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો કે કોઈ વર્ગને પ્રાપ્ત કોટાની અંદર કોટાની મંજૂરી નથી, જેથી કોર્ટે આ મામલો આગળ વિચાર માટે ૭ જજોની બેન્ચને મોકલ્યો છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે SC/STની અંદર ક્રીમી લેયરની અવધારણા પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં રાજયોને એવા સમૂહોના કોટાનો લાભ આપવા માટે અધિકૃત કરી છે, જે અનામતનો લાભ પ્રાપ્ત કરવામાં સક્ષમ નહોતા.પોતાના આદેશમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે માન્યું કે SC/STની અંદર ઉપજાતિઓ માટે અનામતની જોગવાઇ કરી શકાય છે.

બેન્ચે કહ્યું કે, આ પ્રકારના વર્ગીકરણથી બંધારણના આર્ટિકલ ૩૪૧ હેઠળ રાષ્ટ્રપતિના આદેશની સાથે કોઈ ચેડા નહીં થાય. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, રાજયની પાસે અનામત આપવાની શકિત છે, તો તેઓ એ ઉપજાતિઓને લાભ આપી શકે છે જે પહેલા તેનો લાભ નહોતા લઈ શકતા.

ઈન્દિરા બેનર્જી, વિનીતા સરન, એમ. આર. શાહ અને અનિરૂદ્ઘ બોસની આ બેન્ચે કહ્યું કે, ૨૦૦૪ના ચુકાદાને યોગ્ય રીતે નિયત નથી કરવામાં આવ્યો અને રાજય SC/STની અંદર જાતિને ઉપવર્ગીકૃત કરવા માટે કાયદો બનાવી શકે છે.

હાલમાં ૫ જજોનો મત છે કે ૨૦૦૪ના ચુકાદા પર ફરીથી પુનર્વિચારની જરૂર છે. બંને મામલામાં આજે ચુકાદો આપનારા અને ઈવી ચિન્નય્યા મામલામાં ચુકાદો આપનારી બંધારણીય બેન્ચમાં જજોની સંખ્યા ૫ છે. જેથી આજે બંધારણીય બેન્ચે પોતાનો મત રજૂ કરતાં માન્યું કે જૂના ચૂકાદામાં આપવામાં આવેલી વ્યવસ્થા પર ફરીથી વિચારની જરૂર છે. તેથી મામલો આગળ મોટી બેન્ચ એટલે કે ૭ જજોની બેન્ચને મોકલવાની વાત કહેવામાં આવી છે.

(3:58 pm IST)