Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી

બીજા એક બનાવમાં ત્રણ હજાર રૂપિયામાં એક બાપે પોતાની સગી દિકરીને વેંચી : ખરીદનારે તેને માતા બનાવી : અત્યાચારઃ દિલ્હીમાં ૭ વર્ષની એક બાળકીના શોષણનો મામલો સામે આવ્યો : આરોપી ૧૬ વર્ષનો : લોકોમાં ગુસ્સો ભડકી ઉઠયો

નવી દિલ્હી તા. ૩૦ : ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી બર્બરતા મામલે સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. આમ આદમીથી લઇને સેલીબ્રીટી અને નેતાઓ સુધીનાઓએ આરોપીઓને વહેલામાં વહેલી તકે મોતની સજાની માંગણી કરી છે. નિર્ભયા કેસ બાદ આ નવા મામલાએ બધાના હૃદયને હચમચાવી નાખ્યા છે. જો કે હાથરસકાંડ એકલો આવો કેસ નથી કે જ્યાં કોઇ છોકરી સાથે આ પ્રકારની ઘટના બની હોય. દિલ્હીથી લઇને મધ્યપ્રદેશના ભોપાલ અને છત્તીસગઢના રાયપુર સુધી આવા કેસ સામે આવ્યા છે. જેને લઇને લોકોમાં રોષ હજુ વધી શકે છે.

આમાના એક ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. એક નવજાત બાળકી સાથે ક્રુરતા આચરવામાં આવી હોવાની બહાર આવ્યું છે. આરોપીએ બે દિવસ પહેલા જન્મેલી બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ વખત પ્રહાર કર્યા હતા. પછી તેને શાલમાં લપેટીને મંદિરના કિનારે ફેંકી દીધી હતી. ભોપાલમાં ૧૫ દિવસની અંદર નવજાત શિશુની હત્યાનો આ ત્રીજો મામલો છે.

અયોધ્યાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૪ સપ્ટેમ્બરે સવારે બાળકીની લાશ મળ્યા બાદ તપાસ શરૂ થઇ. પોલીસે બાળકીની હાલત જોઇ ભારે અરેરાટી અનુભવી હતી. નવજાતના શરીરમાં ૧૦૦થી વધુ છેદ હતા જે ક્રુ ડ્રાઇવરની મદદથી કરવામાં આવ્યા હતા. આ હેવાનિયતભરી ઘટનાની પોલીસે સીસીટીવી મારફત તપાસ હાથ ધરી છે.

બીજી ઘટના રાયપુરની છે જ્યાં બે વર્ષ પહેલા પિતાએ પોતાની ૧૬ વર્ષની દિકરીને માત્ર ૩ હજાર રૂપિયા માટે એક વ્યકિતને ત્યાં કામ કરવા મોકલી દીધી હતી. ત્યાં એ બાળકીનું શોષણ થતું હતું. અનેક મહિનાઓ સુધી શોષણ થયા બાદ તે માતા બનતા તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. બાદમાં એ રસ્તા પર ભટકતી હતી અને પોલીસે બચાવી હતી.

ત્રીજો કેસ દિલ્હીનો છે ત્યાં શાલિમાર બાગ વિસ્તારમાં જેજે કસ્ટરમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપી ૧૬ વર્ષનો છે. જેની પોલીસે ધરપકડ કરી છે.

(10:20 am IST)