Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સરકારી મહેમાન

આંકડાના જાદુગર એવા પ્રશાંત ચંદ્રના ‘મહાલનોબિલ મોડલ’ની દુનિયાના અર્થશાસ્ત્રીઓએ પ્રસંશા કરી હતી

ભારતીય સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરનારા મહાલનોબિસના નામે આજનો દિન મહાન: સ્ટેટેસ્ટીકના વિદ્વાન અને ભારતની બીજી પંચવર્ષિય યોજનાના સૂત્રધારે વિશ્વમાં નામના મેળવી: ટાગોરે ‘વિશ્વભારતી’ ની સ્થાપના કરી ત્યારે મહાલનોબિસને આ સંસ્થાના સેક્રેટરી બનાવ્યા હતા

ભારતમાં નોટબંધી વખતે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જોન મેનાર્ડ કીંસની પંક્તિઓ દોહરાવી હતી. આ મહાન અર્થશાસ્ત્રીએ કીંસ એ ક્યારેક કહ્યું હતું કે “ઇન ધ લોન્ગ રન વી આર ઓલ ડેડ” – આ નસીહત આજની મુસિબતોને સહન કરીને દૂરના ભવિષ્યના ફાયદા ગણાવતા લોકો માટે હતી, કે જ્યારે દૂરના ભવિષ્યમાં આપણાંમાંથી કોઇ નહીં હોય... અહીં આજના દિવસે એવા વ્યક્તિનો ઉલ્લેખ થઇ રહ્યો છે કે જેણે દૂરના ભવિષ્યને જ નહીં, દેશની આર્થિક તસવીર બદવાનું નક્કી કર્યું હતું. તેઓ હતા સ્ટેટેસ્ટીકના વિદ્વાન અને ભારતની બીજી પંચવર્ષિય યોજનાના સૂત્રધાર પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ અને પીસી મહાલનોબિસની જોડી એવી હતી કે જેવી રીતે નરસિંમ્હારાવ અને મનમોહનસિંહની જોડી હતી. ફરક માત્ર એટલો છે કે મહાલનોબિસ નાણાંમંત્રી બની શક્યા ન હતા. આજે તો એનડીએ સરકારે અગાઉના પ્લાનિંગ કમિશનને વિખેરીને નીતિ આયોગની સ્થાપના કરી છે ત્યારે મહાલનોબિસની આ યાદગીરી દેશની નવી પેઢીએ પણ યાદ રાખવા જેવી છે, જેમાં સંઘર્ષ થી સફળતાનો ઇતિહાસ લખાયેલો છે.

બ્રિટનથી ભારત વાપસી એ જીવનનો નિર્ણાયક મોડ...

રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યની વ્યાખ્યા ખુદ ટાગોરથી વધુ બહેતર બનાવી હતી તે મહાલનોબિસનું શરૂઆતનું શિક્ષણ બંગાળમાં થયું હતું. વિજ્ઞાનમાં સ્નાતક કર્યા પછી આગળ અભ્યાસ કરવા માટે ઘરના લોકોએ તેમને યુનિવર્સિટી ઓફ લંડન મોકલી દીધા હતા. કહેવાય છે કે તેઓ એક વખત કેંબ્રિજ શહેરમાં ફરવા ગયા હતા જ્યાં તેમને કિંગ્સ કોલેજ પસંદ આવી ગઇ, બસ તેઓ બીજા દિવસે આ કોલેજમાં દાખલ થઇ હતા અને ત્યાંથી ભૌતિકની ડીગ્રી હાંસલ કરી હતી. પીસી મહાલનોબિસની ભારત વાપસી એ તેમના જીવનનો નિર્ણાયક મોડ હતો. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું. સમુદ્રના રસ્તે તેઓ જે જહાજમાં આવવા માગતા હતા તેમાં વિલંબ થયો. સમય પસાર કરવા માટે તેઓ કેંબ્રિજ પુસ્તકાલય ગયા અને ત્યાં તેમણે બાયોમેટ્રીક્સને લગતું એક પુસ્તક વાંચ્યું અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બાયોમેટ્રીક્સનું તમામ સાહિત્ય સાથે લઇ આવ્યા. 1922માં કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં તેમને પાર્ટટાઇમ નોકરી મળી ગઇ. બાયોમેટ્રીક્સ વાંચ્યા પછી તેમને આંકડામાં લગાવ થઇ ગયો.

અંકશાસ્ત્રથી એટલો પ્રેમ થયો જે જીવનભર છૂટ્યો નહીં...

સ્ટેટેસ્ટીકલ એ ગણિતની એવી શાખા છે કે જેમાં આંકડાનું સંગ્રહણ, પ્રદર્શન, વર્ગીકરણ અને તેના ગુણોનું આંકલન તેમજ અધ્યયન કરી શકાય છે. અકાદમિક અનુશાસન થી લઇને પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવિકી અને કારોબાર જેવા તમામ ક્ષેત્રોમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. આ વિજ્ઞાનથી મહાલનોબિસને સખ્ત પ્રેમ થઇ ગયો જે જીવનપર્યંત છૂટ્યો નહીં. 1920માં તેઓ વિજ્ઞાન કોંગ્રેસમાં ભાગ લેવા માટે પૂના ગયા હતા, ત્યાં જૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિર્દેશકે તેમને કલકત્તામાં રહેતા એંગ્લો ઇન્ડિયન લોકો પર સંશોધન કરવાનું કહ્યું. આ શોધમાં તેમણે મહાલનોબિસ અંતર (દૂરી) ના સિદ્ધાંતને પ્રાપ્ત કર્યો જે એકરીતે સ્ટેટેસ્ટીકલનું માપ છે. જેનો ઉપયોગ વસતી ગણતરીના સબંધમાં કરવામાં આવે છે. તેઓ આખા ભારતમાં મશહૂર બની ગયા. 1931માં તેમણે ભારતીય સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી અને બીજા વર્ષે તેમણે સ્ટેટેસ્ટીકલ નામની પત્રિકા પણ શરૂ કરી હતી.

નેશનલ સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી...

1949માં મહાલનોબિસ માનદ સંખ્યા સલાહકાર નિયુક્ત થઇ ગયા હતા. બીજા વર્ષે એટલે કે 1950માં તેમણે નેશનલ સેમ્પલ સર્વે અને કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંગઠનની સ્થાપના કરી હતી. મહાલનોબિસનું જીવન ચરિત્ર્ય લખનારા અશોક રૂદ્રનું માનવું છે કે આ બન્ને સંસ્થાઓની મદદથી ભારત સરકારને ભરોસાપ્રાપ્ત સ્ટેટેસ્ટીકલ મળતા હતા જેની વિશ્વમાં એક મિસાલ હતી. આ સંસ્થાઓના ગઠન પછી તેઓ જવાહરલાલ નહેરૂની નજરમાં આવી ગયા હતા. આઝાદીના નવ વર્ષ પહેલાં એટલે કે 1938માં નહેરૂની વચગાળાની સરકારે તેમની અધ્યક્ષતામાં દેશના આર્થિક વિકાસ માટે યોજના આયોગની સ્થાપના કરી હતી અને પંચવર્ષિય યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી. નહેરૂ એ દેશના વિકાસ મોડલમાં તર્ક, વિજ્ઞાન અને સમાજનો સમાવેશ ચાહતા હતા. તેના માટે તેમણે કેટલાક લોકોને પસંદ કર્યા હતા જેમાં મહાલનોબિલ એક હતા. નહેરૂ તેમનાથી એટલા બઘાં પ્રભાવિત હતા કે તેમને યોજના આયોગમાં લઇ આવ્યા હતા. થોડાં સમય પછી તેઓ યોજના આયોગના સદસ્ય બની ગયા. 50ના દસકામાં તેઓ ભારતની મોટી વ્યક્તિ થઇ ચૂક્યાં હતા. 1959માં સંસદના એક અધિનિયમથી ભારતીય સ્ટેટેસ્ટીકલ (સાંખ્યિક) સંસ્થાનને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવ્યું હતું.

બીજી પંચવર્ષિય યોજનાને વિશ્વમાં મશહૂર બનાવી...

સમાજવાદી વિચારના મલાલનોબિસે દેશની બીજી પંચવર્ષિય યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જો કે તેઓ અર્થશાસ્ત્રના મોટા જાણકાર ન હતા પરંતુ તે કમી તેમણે વિકસિત દેશોના અર્થશાસ્ત્રીઓ અને અન્ય લોકો સાથે મળીને પુરી કરી હતી. તેમણે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોમાં જઇને તેમના આર્થિક મોડલને સમજ્યાં હતા જે પૈકી રશિયાનું મોડલ તેમને પસંદ આવ્યું હતું. તેનાથી તેઓ પ્રભાવિત બન્યાં હતા. 1954માં તેમણે યોજના આયોગને બીજી પંચવર્ષિય યોજનાનો ડ્રાફ્ટ આપ્યો ત્યારે તેમાં કહેવામાં આવ્યું હતું કે “જો દેશમાં ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો સરકારે જાહેરક્ષેત્રના ઉપક્રમ અસરકારક રહેશે અને ભારે ઉદ્યોગો જેવાં કે સ્ટીલ, સિમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.” કેપિટલ નિર્માણનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કારણે ત્વરિત રોજગારી ઉભી થઇ શકે. તેમણે બંધો અને ફેક્ટરીઓના નિર્માણની યોજના બનાવી હતી. તેમની આ યોજનાને મહાલનોબિસ મોડલ કહેવાય છે. તેમના વિચારો પ્રમાણે પહેલી યોજનામાં જ્યાં ખનીજ અને ઉદ્યોગ માટે 179 કરોડ ફાળવવામાં આવ્યા હતા તે બીજી યોજનામાં વધીને 1075 કરોડ થઇ ગયા હતા.

મહાલનોબિસ મોડલથી વિશ્વના અર્થશાસ્ત્રોએ પ્રભાવિત...

દુનિયાભરના અર્થશાસ્ત્રી અને વૈજ્ઞાનિકો મહાલનોબિસ મોડલથી અભિભૂત થયા હતા. બ્રિટનના જીવ વિજ્ઞાની જેબીએસ હૈલદેન એ તો તેનાથી પ્રભાવિત થઇને કહ્યું હતું કે – “જો કોઇ નિરાશાવાદી વિચાર પણ રાખતો હોય તો પણ તે માની લે કે આ પ્લાનની નિષ્ફળતામાં 15 ટકા ભાગીદારી પાકિસ્તાન અને અમેરિકાની છે. 10 ટકા રશિયા અને ચીનનો હસ્તક્ષેપ છે. 20 ટકા રાજનીતિ અને બ્યુરોક્રેસી છે અને પાંચ ટકા હિન્દુ વિચારધારા છે આમ છતાં તેને સફળ થવાની 50 ટકા શક્યતા છે અને તે એટલી છે કે દુનિયાનો ઇતિહાસ બદલાઇ જશે.” મશહૂર અંગ્રેજી લેખક ગુરૂચરણ દાસ ઇન્ડિયા અનબાઉન્ડમાં લખે છે કે “બીજી પંચવર્ષિય યોજનાને દુનિયાનો મહત્વપૂર્ણ દસ્તાવેજ માની લેવામાં આવ્યો છે, જ્યારે રામચંદ્ર ગુહા લખે છે કે આ મોડલ સ્વદેશી છે અને તે મહાત્મા ગાંધીએ આઝાદી દરમ્યાન શરૂ કર્યું હતું.”

કેન્દ્ર સરકારે તેમના મોડલ પર મહોર લગાવી હતી...

બીજી તરફ કેટલાક ભારતીય અર્થશાસ્ત્રીઓ મહાલનોબિલ મોડલથી પ્રભાવિત થયાં ન હતા. બીઆર શિનોય કહેતા હતા કે આ યોજના અતિ મહત્વકાંક્ષી અને ખર્ચાળ છે. અમેરિકાના અર્થશાત્રી મિલ્ટન ફ્રીડમેને કહ્યું હતું કે આ મોડલ વધુ પડતું ગણિતીય છે જેમાં રોકાણને આધીન ઉત્પાદન પર જોર આપવામાં આવ્યું છે પરંતુ માનવ સંસાધનો પર આપ્યું નથી. મહાલનોબિસના પ્લાન ઉપરાંત દેશ પાસે એક બીજો વિકલ્પ પણ હતો. ગુરૂચરણ દાસ લખે છે કે મહાલનોબિસનો પ્લાન ભારતીય સ્થિતિને અનુકૂળ છે. મુંબઇના બે અર્થશાત્રીઓ સીએન વકીલ અને રીઆર બ્રહ્માનંદનો એક આઇડિયા હતો કે દેશ પાસે મૂડી ઓછી છે અને માનવ સંસાધન પ્રચૂર માત્રામાં છે. તેમણે કહ્યું કે મૂડીને કપડાં, રમકડાં, સ્નૈક, સાયકલ અને રેડિયો જેવા ઉત્પાદનો પર લગાડવામાં આવે કેમ કે તેમાં જોખમ નથી. આ બન્ને અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે તેનાથી કૃષિમાં નિકાસ વધશે. ગ્રામીણ આધારભૂત ઢાંચો ઉભો થશે. કૃષિ સબંધિત ઉદ્યોગો અને નિકાસ વધશે. જો કે સરકારે માત્ર મહાલનોબિસનું સાંભળ્યું અને તેમના મોડલ પર મોહર લગાવી હતી.

સમાજવાદી હતા, તેમણે અનેક પદો ભોગવ્યાં છે...

મહાલનોબિસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદો પર રહી ચૂક્યાં છે. 1968માં તેમને પદ્મ વિભૂષણનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આજે તો પંચવર્ષિય યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. દેશની છેલ્લી બારમી પંચવર્ષિય યોજના હતી. એ સમયે પૂંજીવાદને નકારાત્મક વ્યવસ્થા માનવામાં આવતી હતી. મહાલનોબિસ સમાજવાદી હતા. અંગ્રેજો દ્વારા દેશને ખોખલો કરી દેવામાં આવ્યો હતો તેથી દેશના આર્થિક પૈડાંને ફેરવવાની આવશ્યકતા હતા તેથી નહેરૂએ અલગ અને જલદી કંઇ કરવું હતું. આર્થિક યોજના અને સ્ટેટેસ્ટીકલ ડેવલપમેન્ટ ક્ષેત્રે મહાલનોબિસના ઉલ્લેખનીય યોગદાનના સન્માનમાં ભારત સરકાર દ્વારા તેમના જન્મદિન 29 જૂનને દર વર્ષે નેશનલ સ્ટેટેસ્ટીકલ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે.

પ્રતિવર્ષ નેશનલ સ્ટેટેસ્ટીકલ ડે તેમના નામે ઉજવાય છે...

મહાલનોબિસનો જન્મ 29મી જૂન 1893માં કલકત્તામાં થયો હતો. ભારતીય સાંખ્યિકી સંસ્થાનની સ્થાપના તેમણે કરી હતી અને આજે તેની શાખાઓ ભારતના કલકત્તા ઉપરાંત દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, પુના, કોઇમ્બતૂર, ચેન્નાઇ અને હિરિડીહ સહિત દેશના 10 રાજ્યોમાં છે. તેઓ 1931 થી મૃત્યુ સુધી ભારતીય સાંખ્યિકી સંસ્થાનના નેર્દેશક અને સચિવ બની રહ્યાં હતા. પ્રોફેસર પ્રશાંત ચંદ્રએ રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર અનેક પુસ્તકો લખ્યાં છે. શાંતિ નિકેતનમાં હતીને તેમણે ટાગોર સાથે બે મહિનાનો સમય વિતાવ્યો છે. દરમ્યાન ટાગોરે તેમને આશ્રમિકા સંઘના સદસ્ય બનાવ્યા હતા. જ્યારે ટાગોરે વિશ્વભારતીની સ્થાપના કરી ત્યારે મહાલનોબિસને આ સંસ્થાના સચિવપદે નિયુક્ત કર્યા હતા. વાસ્તુકલામાં તેમની રૂચિ વધારે હતી. પ્રોફેસરને 1945માં રોયલ સોસાયટી, લંડનના ફેલો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 28મી જૂન 1972માં તેમનું અવસાન થયું હતું. આજની યુવાન પેઢીના તેઓ આદર્શ બની રહ્યાં છે.  આજે ભારતમાં 29મી જૂને દર વર્ષે નેશલન સ્ટેટેસ્ટીકલ ડે તેમના નામે ઉજવવામાં આવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:33 am IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST

  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST