Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સરકારી મહેમાન

સિદ્ધાંતના આગ્રહી સીઆર પાટીલની રાજકીય વ્યૂહરચના ભાજપને કોંગ્રેસ મુક્ત કરવાની છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પહેલીવાર જ્ઞાતિને નહીં વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું છે : ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકારની સાથે પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે : સચિવાલયમાં જીઆર પહેલાં સીઆરનું વર્ચસ્વ, MP, MLA અને મંત્રીઓ કહે છે – ડરના જરૂરી હૈ

ગુજરાત ભાજપમાં નવો બદલાવ આવ્યો છે જેને પાર્ટીના જૂના કાર્યકરો 25 વર્ષ પહેલાંની સિદ્ધાંત અને કેડરબેઝ પાર્ટીના રૂપમાં જોઇ રહ્યાં છે. પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા પછી ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાતને જોતાં સીઆર પાટીલ પાર્ટીના કાર્યદક્ષ કાર્યકરોને એકજૂથમાં રાખીને કોંગ્રેસ મુક્ત ભાજપનો ખ્યાલ ધરાવતા હોય તેવી છાપ ઉપસી આવી છે પરંતુ અત્યારે ભાજપના ખેતરમાં ભેલાણ થઇ ગયું છે. કોંગ્રેસમાંથી આવેલા અને સીધી મંત્રી બની ચૂકેલા નેતાઓથી સરકાર પરેશાન છે ત્યારે પાર્ટી પ્રમુખનો દાવ સફળ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. સાંસદ બન્યાં પછી સીઆર પાટીલ હાઇકમાન્ડની વધારે નજીક સરકી ગયા છે જેનો તેમને આ શિરપાવ મળ્યો છે. પાર્ટીમાં ઘૂસેલાં દૂષણને દૂર કરવાના ખ્વાબ તેઓ ધરાવે છે. પાર્ટીનું હાઇકમાન્ડ તેમને નવા બદલાવમાં કેટલો છૂટો દોર આપે છે તેના પર પાટીલની સફળતા નિર્ભર છે. અત્યારે ભાજપમાં 35 ટકા ફાલ કોંગ્રેસમાંથી આવ્યો છે જેને એકસાથે કાઢવો મુશ્કેલ છે પરંતુ નામૂમકીન નથી. 2022ની વિધાનસભાની ચૂંટણી સુધીમાં મૂળ ભાજપ સાથે જોડાયેલા સિસ્તબદ્ધ જૂના કાર્યકરો અને નેતાઓને ટિકીટ મળે તેવી પાટીલ ઇચ્છા ધરાવે છે. એક મહિનામાં તેમણે સૂચવેલા સુધારા અને આદેશને જોવામાં આવે તો તેઓ સરકાર અને પાર્ટીમાં નવાજૂની કરવાના અણસાર આપી જાય છે. તેમના પ્રમુખપદનો લિટમસ ટેસ્ટ આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે, જેની પર હાઇકમાન્ડની બારીકાઇથી નજર છે.

સચિવાલયમાં જીઆર પછી સીઆર છવાયા છે...

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નામ પડે એટલે સચિવાલયમાં સોંપો પડી જાય છે. સરકારી વિભાગોમાં જીઆર પહેલાં સીઆરનું નામ જીભે ચઢી રહ્યું છે, કેમ કે કર્મચારીઓ એવું માની રહ્યાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોઇસ હોવાથી સીઆર પાટીલને નારાજ કરી શકાય નહીં. પોતાના બોલ્ડ નિવેદનોથી પાર્ટીમાં પ્રચલિત થવાનો પ્રયાસ કરતા સીઆર પાટીલ સાથે સંસદસભ્યો, ધારાસભ્યો તેમજ રૂપાણી કેબિનેટના મંત્રીઓ પણ સબંધો ડેવલપ કરી રહ્યાં છે, કારણ કે આ તમામને 2022માં વિધાનસભાની ચૂંટણીની ટિકીટ જોઇએ છે. ચૂંટણી કે પદ માટે કોઇ નેતાની ભલામણ આવે તે પહેલાં સીઆર પાટીલે જાહેર કરી દીધું છે કે “કોઇની ભલામણ હશે તો ટિકીટ નહીં મળે...” ભાષામાં નરેન્દ્ર મોદી જેવો લહેકો નથી પરંતુ તેઓ લોકોને શબ્દોના ચાબખાથી ડર દેખાડી રહ્યાં છે. પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સરકાર અને સંગઠનને સુધારવા માટે મોદીએ કોઇ દૂત મોકલ્યા છે.

મોદીએ રાજ્યના ચાર ઝોનમાં પ્રતિનિધિ આપ્યાં...

દેશના કોઇપણ પ્રદેશમાં જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવામાં આવે છે ત્યારે પાર્ટી પહેલાં જ્ઞાતિને મહત્વ આપે છે. વિવિધ સમાજમાં મજબૂત વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના ઉમેદવારને હંમેશા પસંદ કરવામાં આવે છે. એવી જ રીતે કોઇ પાર્ટી તેની સરકારમાં કેબિનેટની રચના કરે છે ત્યારે જ્ઞાતિની સાથે વિસ્તાર જોવામાં આવે છે. દેશની બીજી પાર્ટીઓ તો જ્ઞાતિવાદને છોડી શકી નથી પરંતુ મોદીનું ભાજપ દેશ અને ગુજરાતમાં બદલાઇ રહ્યું છે. ભાજપ લોકપ્રિયતાની ટોચ પર હોવાથી હાઇકમાન્ડ જે નક્કી કરે તે પ્રમાણે થાય છે. ગુજરાતમાં જે નિયુક્તિ થઇ છે તેનાથી રાજકીય પાર્ટીઓને આશ્ચર્ય થયું છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક નવો ચિલો પાડ્યો છે. તેમણે જ્ઞાતિ નહીં વિસ્તારને મહત્વ આપ્યું હોવાની છાપ ઉપસી આવી છે. મોદીએ સરકાર અને સંગઠનમાં જ્ઞાતિને મહત્વ આપ્યું નથી પરંતુ તેમણે રાજ્યના વિસ્તારને બેલેન્સ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉત્તર ગુજરાતમાંથી આવે છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મધ્ય ગુજરાતના છે જ્યારે પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ છે. ભાજપમાં પહેલીવાર વિસ્તારનું બેલેન્સ જોવા મળે છે, જ્ઞાતિ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું નથી.

ભાઉ” ભ્રષ્ટાચાર દૂર કરવા રૂપાણીને મદદ કરો...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે મારી સરકારમાંથી ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે મેં અનેક કદમ ઉઠાવ્યા છે પરંતુ ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો પહેલાં લાંચ લેનાર કરતાં લાંચ આપનાર વ્યક્તિ સામે વોચ રાખવાની જરૂર છે. લોકો સુધરી જશે તો અધિકારી કે કર્મચારીઓ આપોઆપ લાંચ લેતા બંધ થશે. સરકારે લાંચ લેનારની સાથે લાંચ આપનાર સામે પણ કડક પગલાં ભરવા જોઇએ. બીજી તરફ પાર્ટીમાં પરિવર્તન લાવવાની વાતો કરતા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મુખ્યમંત્રીને સહયોગ આપવો જોઇએ. 1995માં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં જ્યારે ભાજપની પહેલી સરકાર બની ત્યારે સરકાર અને સંગઠન વચ્ચે એવું સંકલન હતું કે જે છેલ્લા 24 વર્ષમાં જોવામાં આવ્યું નથી. એ સમયે સરકારની જવાબદારી બે સરખા ભાગમાં વહેંચવામાં આવી હતી. એટલું જ નહીં સંગઠનના આગેવાનોને સરકારમાં બહોળું પ્રતિનિધિત્વ પણ આપવામાં આવ્યું હતું. સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં રાજકીય નિયુક્તિના વિચાર સાથે સીઆર પાટીલ પણ એ રસ્તે જઇ રહ્યાં છે. હકીકતમાં તેમણે પાર્ટીના કાર્યદક્ષ કાર્યકર્તાઓને સાથે રાખીને સરકારમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનું અભિયાન શરૂ કરાવવું જોઇએ. સીઆરનો દાવો છે કે ગુજરાત ભાજપમાં 1.25 કરોડ કાર્યકર્તાઓની ફોજ છે. જો આટલી સંખ્યા હોય અને તેઓ સરકારમાં ઇન્વોલ હોય તો કોઇ અધિકારી કે કર્મચારીની હિંમત નથી કે લાંચનો એક રૂપિયો પણ લોકો પાસેથી પડાવી શકે. આજે તો સરકારમાં એવું જોવામાં આવે છે કે ભાજપના કાર્યકરોને પણ અંગત કામ કરાવવું હોય તો લાંચિયા અધિકારી કે કર્મચારીને મોટી દક્ષિણા આપવી પડે છે.

રામ મંદિર નિર્માણ તો શરૂ થયું, હવે રામરાજ્ય લાવો...

ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારના નારા સાથે 1995માં ભાજપે તેની ઇનિંગ્સ શરૂ કરી હતી, આજે ગુજરાતમાં ભાજપની સરકારને શંકરસિંહ વાઘેલાના 498 દિવસોને બાદ કરતાં 24 વર્ષ થયાં છે. ભાજપના કાર્યકરોને યાદ છે કે જ્યારે કેશુભાઇની શપથવિધિ થઇ હતી ત્યારે આખું ગુજરાત આ સમારોહમાં પ્રતિનિધિત્વ કરતું હતું. એ સમયે રચાયેલી કેબિનેટના મંત્રીઓએ સચિવાલયમાં તેમની ચેમ્બરો લોકો માટે ખુલ્લી મૂકી હતી. મંત્રીઓના સરકારી નિવાસસ્થાનમાં કોઇપણ વ્યક્તિ આસાનીથી પ્રવેશ મેળવી શકતો હતો. વીકએન્ડમાં મહેન્દ્ર ત્રિવેદી જેવા મંત્રીઓ હનુમાન ચાલીસાના પાઠ કરાવતા હતા. સપ્તાહમાં એક દિવસ રાજ્યના નામી કલાકારોનો ડાયરો જોવા મળતો હતો. હરેન પંડ્યા તેમની ચેમ્બરની બહાર ફરિયાદ પેટી રાખતા હતા અને તેમાં જે કોઇ ફરિયાદ આવે તેનો ત્વરીત નિકાલ કરતા હતા. જયનારાયણ વ્યાસની ચેમ્બર તો ડોક્ટરની ઓપીડીની જેમ કામ કરતી હતી. સવજી કોરાટ માર્ગ-મકાનના કામોનું સ્કૂટર બેસીને જાતે ચેકીંગ કરતા હતા. જસપાલસિંહે પોલીસ કેડરને સુધારવા અનેક ભલામણો કરી હતી. આજે મંત્રીઓની ચેમ્બરો અને નિવાસસ્થાન જેલ જેવા બની ગયાં છે. લોકોને આસાનીથી પ્રવેશ નથી. આપણી સરકાર” ની અનુભૂતિ ત્યારે જોવા મળશે ત્યારે મંત્રીઓ જનતા સાથે સીધા સંપર્કમાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ દિશામાં વિચારશે તો પાટીલના-- 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જીતવાના-- શબ્દો સાચા પડશે. અયોધ્યામાં રામ મંદિર તો બનવાનું શરૂ થયું છે પરંતુ ગુજરાતની જનતા ખરા અર્થમાં રામરાજ્ય” માગી રહી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:37 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST