Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સરકારી મહેમાન

મહાપ્રયાણ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું પૃથ્વી પર આયુષ્ય 125 વર્ષ, 7 માસ અને 7 દિવસ

દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન એ આસુરી સંપત્તિ તરફ વળેલા લોકોમાં હોય છે : મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણની ઉંમર 89 વર્ષ બે માસ અને સાત દિવસની હતી : ક્ષત્રિયોનું કર્મ – શૌર્ય, ચતુરતા, દાન, ધૈર્ય, જ્યારે બ્રાહ્મણોનું – તપ, પવિત્રતા, જ્ઞાન અને ક્ષમા

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે “ક્ષત્રિયોનું કર્મ શૌર્ય, ચતુરતા, દાન અને ધૈર્ય છે જ્યારે બ્રાહ્મણોનું કર્મ તપ, પવિત્રતા, જ્ઞાન અને ક્ષમા છે.” એવી જ રીતે “ખેતી, ગાયોનું પાલન અને વેપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.” તેમણે ગીતામાં કહ્યું છે કે “દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન એ આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્ટોમાં ઉત્પન્ન થાય છે.” વિશ્વમાં લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખરેખર કઇ તિથિ અને ઇસુના કેલેન્ડર પ્રમાણે ઇસુના જન્મ પૂર્વે કઇ તારીખે થયો હતો, તેની ગણતરી પહેલીવાર કાશી સ્થિત અને વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ નક્કી કરી છે. આ સંશોધન અનુસાર કૃષ્ણ પૃથ્વીલોક પરથી વિદાય થયાને 5122 જેટલા વર્ષો થયાં છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણની જન્મકુંડળી બનાવી છે તે પ્રમાણે જેમનો જન્મ ઇસ પૂર્વે તા 20-21-7-3228 ને રવિવાર-સોમવારે રાત્રે 12 વાગ્યે મથુરામાં થયો હતો. હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્રાદિ સંવત 3285 તથા શક સંવત 3150 સંવર્તસર ભાદ્રાપદ માસ કૃષ્ણ પક્ષ ઉદિત તિથિ સપ્તમીમાં રોહિણી નક્ષત્રમાં થયો હતો. પુરાણો અને શાસ્ત્રોના અભ્યાસ પછી કરવામાં આવેલી ગણતરી પ્રમાણે કૃષ્ણનો જન્મ સાતમા વૈવસ્વત મનવન્તરની 28મા દ્વાપરયુગના અંતિમ ચરણમાં 863874 વર્ષ ચાર માસ અને 22મા દિવસે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના રોજ થયો હતો.

રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો હતો...

શ્રી કૃષ્ણના જન્મલગ્ન તથા રાશિ વૃષભ છે. રોહિણી નક્ષત્રમાં જન્મ હોવાથી સત્યમાં માનનારા, નિર્મળ હ્રદયવાળા અને લોકકલ્યાણ કરનારા હોય છે. જન્મલગ્નમાં ચંદ્ર હોવાથી અને લગ્ન પર શનિની દ્રષ્ટિ હોવાથી જાતકનો ચહેરો અત્યંત મોહક અને શ્યામવર્ણો થાય છે. છઠ્ઠાભાવના કારક બુધ પોતાના કારક ભાવથી બારમે રહેવાથી મોસાળનું સુખ પ્રાપ્ત થતું નથી. શ્રીમદ આદ્ય જગતગુરૂ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાનના અધ્યક્ષ સ્વામી જ્ઞાનાનંદ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર 125 વર્ષ સાત મહિના અને સાત દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. તેમણે ઇસ પૂર્વે 3102ની 18મી ફેબ્રુઆરી ને શુક્રવારે 2 કલાક 7 મિનિટ અને 30 સેકન્ડે મહાપ્રસ્થાન કર્યું હતું. કૃષ્ણ જન્મની કાલ ગણના માટે જ્ઞાનાનંદે સ્કંદપુરાણના પ્રભાસ પર્વ ઉપરાંત ભાગવત પુરાણ, વિશ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભૃગુ સંહિતા અને મહાભારત મૌસલ પર્વનો અભ્યાસ કર્યો હતો.

મહાભારતના યુદ્ધ સમયે ઉંમર 89 વર્ષની હતી...

દ્વાદશ જ્યોતિર્લિંમાં પ્રથમ એવા પુરાણ પ્રસિદ્ધ સોમનાથ જ્યાં બિરાજે છે તેવા પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ ક્ષેત્ર હરિ અને હરનું સંગમસ્થાન છે. ભગવાને પૃથ્વી પર 125 વર્ષ સુધી દિવ્ય લીલા કરી હતી. મહાભારત યુદ્ધના છત્રીસ વર્ષ બાદ તેમણે મહાપ્રસ્થાન કર્યું હતું. મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણની ઉંમર 89 વર્ષ બે માસ અને સાત દિવસની હતી. મહાભારતના યુદ્ધ વખતે જે અપશુકનિયાળ યોગ સર્જાયો હતો તેવો યોગ 36 વર્ષ બાદ ફરીથી સર્જાયો ત્યારે ભગવાને દેહત્યાગ કર્યો હતો. શાસ્ત્રીક ગણનાંકો અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોથી પ્રસ્થાપિત થયું છે કે કળિયુગનો પ્રારંભ 18મી ફેબ્રુઆરી 3103થી થયો હતો.

જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણનો જન્મદિન છે...

હિન્દુ શાસ્ત્રોના મોટાભાગના ધર્મો અને સંપ્રદાયોમાં કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય છે. તેમને જગદગુરૂ પણ કહેવામાં આવે છે. અત્યંત તેજસ્વી રાજા તરીકે તેમની છબી જોવા મળે છે. કૃષ્ણના દિવ્ય અવતાર, તેમના નટખટ બાળપણ અને યુવાવસ્થાની વાતો અનેક ગ્રંથોમાં જોવા મળે છે. દર વર્ષે આવતી જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન છે. ભગવાન વિષ્ણુએ અત્યાર સુધીમાં 23 અવતાર લીધા છે જેમાં કૃષ્ણ અવતાર ખૂબ મહત્વનો છે. કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેઓ માતા દેવકી અને પિતા વાસુદેવનું આઠમું સંતાન હતા. મામ કંસ કૃષ્ણને મારી નાંખશે તેવા ડરથી કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢી વાસુદેવ તેમના મિત્ર નંદલાલના ઘરે ગોકુળમાં મૂકી આવ્યા હતા. કંસ એ છ બાળકોને મારી નાંખ્યા હતા પરંતુ સાતમું સંતાન દિકરીના રૂપે માતા દુર્ગા હતા. કંસના હાથમાંથી છટકીને તેઓ આકાશમાં પ્રગટ થયા હતા અને કંસને કહ્યું હતું કે તારો કાળ પ્રગટ થઇ ગયો છે. આ દેવી દુર્ગા પુરાણ અનુસાર નંદા તરીકે ઓળખાય છે.

ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો...

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાંની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી હતી અને સમજાવ્યા હતા પરંતુ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" કહેતાં ગાંધારીના ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવ બાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરીણામે તેમણે 'તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે' એવો શ્રાપ આપ્યો હતો.

શ્રી કૃષ્ણને બાણ મારનાર શિકારી બાલી હતો...

36 વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુ હતું. કૃષ્ણના મોટાભાઇ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું હતું જ્યારે કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે તેમનું મૃત્યુ થયું હતું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતારના સુગ્રીવનો ભાઇ બાલી હતો. તે અવતારમાં કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો.

શ્રી કૃષ્ણ વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ છે...

હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. 'રૂઢીચુસ્ત ગૌડીય વૈષ્ણવો'ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, જેમાં-- તેમનું સ્વયં રૂપ અથવાતો દિવ્ય સ્વરૂપ સ્વયં સ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હુબહુ તેમનાં મુળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે. જ્યારે તેમનાં આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદાં જુદાં અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે. વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ – એ બન્નેમાંથી પહેલાં કોણ આવ્યું તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. વૈષ્ણવ માન્યતાના તમામ સંપ્રદાયમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બઘાં અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્વ અવતાર ગણવામાં આવે છે. આ કારણોથી તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે. કેટલાક વૈષ્ણવ સંપ્રદાય કે જેમાં ગૌડીય વૈષ્ણવ, વલ્લભ અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણને જ બઘાં અવતારોનું મૂળ ગણવવામાં આવે છે.

ભગવદ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે...

હિંદુધર્મનાં વિવિધ ધર્મગ્રંથો પૈકી ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ પણ માનવામાં આવે છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. ગીતા થોડા શ્લોકોના અપવાદને બાદ કરતાં અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ ઇ.સ. પૂર્વે 3066નો માનવામાં આવે છે. મહાભારતમાં યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને પોતાનો રથ બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે અને યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઇ, યુદ્ધ ન કરવાના વિચાર કરે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે, તે 18 અધ્યાય અને 700 શ્લોક ગીતા તરીકે પ્રચલિત છે. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતાના 18મા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે -- સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર... ગીતા કોઇ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:41 am IST)
  • સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૭૮ કરોડનો વકરો કર્યો : ગુજરાત સરકાર 15 જૂનથી આજ સુધી ફેસ માસ્ક નહીં પહેરવા બદલ 78 કરોડ રૂપિયાનો વસૂલાત કરે છે access_time 1:32 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • કાશ્મીર સરહદે પાકિસ્તાની ડ્રોન ઝબક્યું : જમ્મુ-કાશ્મીરમાં પૂંચ જિલ્લાના મેંધર સેક્ટરના માંકોટે વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ ની નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો છે. access_time 1:31 pm IST