Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

તલાટીને સોગંદનામા કરવાનો અધિકાર આપતો પરિપત્ર રદ કરો

નોટરી વકીલોના અધિકાર ઉપર તરાપઃ તલાટી મફત સોગંદનામા કરી આપશેઃ પરિપત્ર રદ કરવા દિલીપ પટેલની સરકારમાં રજૂઆત

રાજકોટ તા. ૭ :.. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  તલાટી મંત્રીને ૩૩ જીલ્લાની ગ્રામ પંચાયતોને આવરી લેવા માટે તલાટી કમ મંત્રીશ્રીઓને એફીડેવીટની સતા આપવાનો હુકમ કરેલ છે જેનાથી ઘણી જ વિસંગતતા ઉભી થાય તેવી શકયતા છે અને આ પરીપત્રથી ગુજરાતના વકીલોમાં મોટા પાયે રોષ ફેલાયેલ છે જેથી તાત્કાલીક પરત ખેંચી લેવા માટે સરકારશ્રીને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દીલીપ પટેલે રજૂઆત કરેલ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખુબ જ સારા હેતુ માટે ગ્રામીણ નાગરીકો લોકોને દાખલાઓ માટે કરવાની એફીડેવીટ માટે તાલુકા કક્ષાએ કે નગર જિલ્લામાં નોટરી પાસે જવુ ન પડે તેથી નિર્ણય કરેલ હતો. પરંતુ નોટરીઓને સરકારશ્રીના નિયત રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે અને તેમાં સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે સોગંદનામુ કરનારની સહી અને ઓળખ આપનાર વકીલની સહી લેવાની હોય છે અને સોગંદનામાની સત્યતાની ખરાઇ કરવાની હોય છે જયારે આ તલાટી મંત્રી કરી શકે નહીં.

સોગંદનામુ પ૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર અને નોટરીની પ૦ રૂપિયાની ટીકીટ લગાડી અને આમ ૧૦૦ રૂપિયાના ખર્ચ બાદ સોગંદનામુ નોટરી કરી શકે છે જયારે સરકારશ્રીએ મફતમાં તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપેલ હોય સરકારશ્રીના કરોડો રૂપિયાની રેવન્યુ ઇન્કમમાં ઘટાડો થવાની શકયતા રહેલી છે. સોગંદનામામાં ડ્રાફટીંગ કરવુ પડે અને તે વકીલ કરી શકે જે જવાબદારી પુર્ણ કાર્ય છે જે તલાટી કરી શકે નહીં.

ગુજરાતમાં અસંખ્ય કેસોમાં સોગંદનામુ નોટરી પાસે કરાવનાર અરજદારો ફરી જતા હોય છે આવા કીસ્સામાં નોટરી અને ઓળખ આપનાર વકીલ બંને સામે પોલીસમાં ફરીયાદ થતી હોય છે. પરંતુ આવી ફરીયાદો તલાટી સામે થાય તો તેની જવાબદારી કેટલી બને છે તે સરકારે નકકી કરવુ જોઇએ તેમજ તલાટીઓ નોટરીની જેમ રજીસ્ટર મેઇન્ટેન કરશે, અરજદારની સહી લેશે કે નહી અને જવાબદારી કોની કેટલી રહેશે તે પણ સરકારે વિચારવુ પડશે.

જો તલાટીની કોઇ જવાબદારી બનતી ન હોવાનું સરકાર સ્વીકારે તો ગુજરાતમાં વકીલો અને નોટરીઓ સામે સોગંદનામા બાબતે થયેલ ફરીયાદોમાં તમામને મુકત કરવા જોઇએ અને તલાટીની જેમ નોટરીઓને સોગંદનામામાં રજીસ્ટરમાં સહી લેવડાવવાનું નોટરી ટીકીટ ચોટાડવાનું બંધ કરવુ જોઇએ.

ઉપરની તમામ હકિકતો જોતાં સરકારે ગ્રામ્ય જનતાને તકલીફ ન પડે તે માટે શહેર અને તાલુકામાં અનેક નોટરીઓની નિમણુંક કરેલ છે. દરેક જગ્યાએ નોટરીઓ ઉપલબ્ધ છે અને ગ્રામ્ય લોકો પણ નોટરીઓનો લાભ લે છે અને તેઓને પણ નોટરીની કામગીરીથી સંતોષ છે. રેવન્યુ તકરારો ઉભી થાય છે તેવી તકરારમાં તલાટીઓની કેટલા અંશે ભુમિકા રહેશે તે પણ વિચારવુ પડે તેમ છે.

આમ ગુજરાતનાં ૮પ,૦૦૦ વકીલો અને નોટરીઓ સરકારશ્રીએ બહાર પાડેલ તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપનો આદેશ પરત ખેંચી લેવા અમારી માગણી છે અને ભવિષ્યમાં તલાટીઓની સત્તાથી બનનારા લીટીગેશન પણ ઘટાડી શકાય આ અંગે સરકારશ્રીએ ખુબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને સરકારશ્રી ચોકકસ પણે તેમણે બહાર પાડેલ પરિપત્ર વકીલો અને નોટરીનાં હીતમાં રદ કરશે તેવી બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન અને બી. સી. આઇ. ના મેમ્બર દિલીપભાઇ પટેલે અપેક્ષા વ્યકત કરી સરકારને પરિપત્ર રદ કરવા જણાવ્યું છે.

(3:22 pm IST)