Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મ્યુ. કોર્પોરેશનમાં શુક્રવારે સાયકલ ફરજીયાત : ઉદિત અગ્રવાલ

શહેરમાં સાયકલનો વપરાશ વધે તે માટે મ્યુ. કમિશનરના અથાગ પ્રયાસો : ૧૫૦ રીંગ રોડ સાયકલ ટ્રેક પર દબાણો હટાવી ખુલ્લો રાખવા સુચના : મ્યુ. કમિશનરે જાતે સાયકલ ચલાવી સર્વે કર્યો : નગરજનોને બને તેટલો વધુ સાયકલનો ઉપયોગ કરવા અપીલ

ઉદીત અગ્રવાલનો સાયકલ સર્વે : શહેરીજનો સાયકલનો ઉપયોગ વધુને વધુ કરતા થાય તે માટે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરમાં સાયકલ ટ્રેકની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા જાતે સાયકલ ચલાવી 'હેન્ડલ બાર સર્વે' કર્યો હતો. તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૭ : શહેરમાં સાયકલનો ઉપયોગ વધે પર્યાવરણ શુધ્ધ બને અને લોકોની તંદુરસ્તી વધે તે માટે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પ્રયત્નો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે દર શુક્રવારે મ્યુ. કર્મચારીઓને સાયકલ લઇ અને કચેરીએ આવવાનું સૂચન કર્યું છે અને જો સાયકલ ન હોય તો સીટી બસ જેવા પબ્લીક ટ્રાન્સપોર્ટનો અથવા ચાલીને કચેરીએ આવવા સુચનાઓ આપી છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણ શુધ્ધી માટે લોકો બને તેટલો સાયકલનો ઉપયોગ કરે તે જરૂરી છે. આથી સૌ પ્રથમ મ્યુ. કોર્પોરેશન કચેરીથી જ આ પ્રયોગ શરૂ કરી રહ્યા છીએ. જેમાં દર શુક્રવારે મ્યુનિ. સ્ટાફ સાયકલ પર કચેરીએ આવશે. આ દિવસ 'નો વ્હીકલ ડે' તરીકે નિયત કરી દર અઠવાડિયે આ પ્રયોગ ચાલુ રખાશે.

આ પ્રકારે અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવીને કચેરીએ આવવાથી પેટ્રોલ બચશે, કસરત થતાં તંદુરસ્તી રહેશે અને પર્યાવરણ શુધ્ધ થશે. આ પ્રયોગ અન્ય કચેરીઓ માટે તેમજ શહેરીજનો માટે પ્રેરણારૂપ બને તે હેતુ શ્રી અગ્રવાલનો છે. તેમજ સાયકલ નહોય તેવા લોકો સીટી બસ જેવા પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થશે. જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. આ ઉપરાંત શ્રી અગ્રવાલે પોતે જાતે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવી અને હેન્ડલ બાર સર્વે કર્યો હતો અને સાયકલ ટ્રેક પર જ્યાં જ્યાં દબાણો જોવા મળ્યા તે તમામ દબાણો દુર કરાવી સાયકલ ટ્રેક પર લોકો સાયકલ ચલાવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

આમ, શહેરીજનો બને તેટલો વધુ સાયકલનો ઉપયોગ શરૂ કરી શહેરનું પર્યાવરણ સુધારવામાં સહયોગી બને તેવી અપીલ આ તકે મ્યુ. કમિશનરે કરી છે.

(3:21 pm IST)