Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પરિવારથી અલગ થયા પછી ગમતું નહોતું...મવડી પોલીસ હેડકવાર્ટરમાં લોકરક્ષક યુવતિનો આપઘાત

જસદણના ફુલઝરની વતની જલ્પા સાકરીયાએ ગળાફાંસો ખાઇ લીધોઃ ૨૦ દિવસથી તાલિમ માટે આવી હતીઃ બીજી મહિલા કર્મી કપડા બદલવા આવી ત્યારે ઘટનાની જાણ થઇઃ બે ભાઇની એકની એક બહેન હતી

રાજકોટ તા. ૮: મવડી પોલીસ હેડકવાર્ટરમાં જસદણના ફુલઝરની વતની  ૨૦ વર્ષની તાલિમાર્થી મહિલા લોકરક્ષક જલ્પા જયંતિભાઇ સાકરીયા (કોળી)એ પોતાના રૂમમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સાથી તાલિમાર્થી કર્મીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વીસેક દિવસથી તે પરિવારથી દૂર તાલિમ માટે રાજકોટ આવી હોઇ અહિ ગમતું ન હોવાનું કેટલાક દિવસથી રટણ કરતી હતી. કદાચ આ કારણે પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

જલ્પા સાકરીયા નામની તાલિમાર્થી લોકરક્ષકે ગળાફાંસો ખાઇ લીધાની જાણ ૧૦૮ના મયુરભાઇ ચોૈહાણ ગોપાલભાઇ મારફત થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ. જી. અંબાસણા અને રાઇટર રિતેશભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જલ્પા સાથે રૂમમાં બીજી ચાર તાલિમાર્થી લોકરક્ષક મહિલા હતી.

ગઇકાલે રાબેતા મુજબ બધાને ટ્રેનિંગમાં જવાનું હતું. પરંતુ જલ્પા તબિયત ખરાબ હોવાથી ગઇ નહોતી. એ પછી એક સહકર્મી કપડા બદલવા માટે રૂમ ખાતે પરત આવી ત્યારે જલ્પા લટકતી જોવા મળતાં દેકારો મચાવી મુકયો હતો. આપઘાત કરનાર જલ્પા બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે.  વીસેક દિવસથી તે તાલિમમાં આવી હતી. અહિ ગમતું ન હોવાની સહકર્મીઓ સાથે વાતો કરતી હોવાનું કહેવાય છે. સાચુ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:00 pm IST)