Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સિવિલ હોસ્પિટલમાં જીલ્લાના તમામ થેલેસેમિયા પિડીત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા

કલેકટર રેમ્યા મોહને ખાસ વ્યવસ્થા કરાવીઃ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોને મોટી રાહતઃ રાજકોટ જીલ્લામાં ૭૦૦ જેટલા થેલેસેમિયા પિડીત બાળકોઃ મહિનામાં બે-ત્રણ વખત લોહી ચડાવવું પડે : સિવિલમાં દરરોજ ૨૦ થી ૩૦ બાળકોને લોહી ચડાવાય : ડો. મયુર

રાજકોટ તા. ૮ : થેલેસેમિયા પીડિત દર્દીને નિયમિત સમયાંતરે લોહી ચડાવવું પડતું હોય છે. પ્રવર્તમાન સમયમાં કોવિડ-૧૯ મહામારીના પગલે સંક્રમણના ભયના કારણે થેલેસેમિયા પીડીત દર્દીઓને લોહી ચડાવવાની સારવાર આપવાની સવલત અનેક સેવાકીય હોસ્પિટલ દ્વારા બંધ કરવામાં આવી હતી. જેના લીધે અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી. પરંતુ આ સારવાર સામાન્ય લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી,કલેકટરશ્રી રેમ્યા મોહનની સૂચનાથી રાજકોટ જિલ્લાના થેલેસેમિયા પીડિત દર્દીઓને લોહી ચડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ,અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે.

શહેરની માતૃમંદિર કોલેજમાં સહાયક અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને વિવેકાનંદ યુથ કલબના સભ્ય ડો. રવિ ધાનાણી પોતે થેલેસેમિયા મેજર પેશન્ટ છે. તેઓ કહે છે કે,રાજકોટમાં જિલ્લામાં ૫૦૦ થી ૭૦૦ જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો છે. આ બાળકોને મહિનામાં બે-ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણના ભય લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી હતી. જેથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડતી નહી. આ સ્થિતિમાં કલેકટર રેમ્યા મોહનને થેલેસિમિયા પીડિત બાળકો માટે સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી જિલ્લાના તમામ થેલેસિમયાથી પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. કલેકટરશ્રી રેમ્યા મોહનના આ નિર્ણયથી બાળકોના વાલીઓમાં આનંદ વ્યાપી ગયો છે. તેમ તેમણે કલેકટરશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતુ.

બાળરોગ નિષ્ણાંત ડો. મયુર કહે છે કે,સિવિલ હોસ્પિટલમાં દરરોજ થેલેસેમિયા પીડિત ૨૦ થી ૩૦ બાળકોને લોહી ચવાવવામાં આવે છે. બ્લડ ટ્રાન્સફયુઝનમાં ૪ થી ૫ કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન સામાન્ય રીતે કોઈ તકલીફ તો પડતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા દરમિયાન બાળકોની સતત દેખરેખ રાખવામાં આવે છે.

થેલેસેમિયાના દર્દી જાનકી વાઘેલા કહે છે કે,હું અને મારો ભાઈ બન્ને નિયમિત રીતે લોહી ચડાવવાની સારવાર મેળવી છીએ. અહીંયા ડોકટર્સ અને નર્સ એક વાલીની જેમ અમારી કાળજી રાખે છે. સારવાર દરમિયાન કોઈ જરૂરિયાત કે તકલીફ હોય તો ત્વરિત નિરાકરણ લાવે છે. તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

(1:20 pm IST)