Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વૃધ્ધાશ્રમના ૩૦ વડિલોની સારવાર કરી એ અનુભવ જીવનભરનું સંભારણું: છાત્રા વૃધ્ધી ભંડેરી

ત્રીજા વર્ષના મેડિકલ છાત્રોને મળી કોરોનાની દર્દીઓની સારવારની તક

રાજકોટ : સમરસ હોસ્ટેલ સ્થિત કોવીડ કેર સેન્ટરમાં દસ દિવસ દરમ્યાન સદભાવના વૃદ્ઘાશ્રમના ૩૦ થી વધુ વડીલોની કોરોનાની સારવાર કરતાં કરતાં માતા અને પિતા તુલ્ય વડીલો સાથે એક દીકરી તરીકે આત્મીયજન જેવા લાગણી સભર સંબંધો અમારી વચ્ચે સ્થપાઇ ગયાનુ તેમજ તેમની સાથે પસાર કરેલ સમય જિંદગીભરનું સુખદ સંભારણું બની રહ્યાનું પી.ડી.યુ મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વૃધ્ધિ ભંડેરીનું કહેવું છે. 

આ દસ દિવસ દરમ્યાન રેસિડન્ટ ડોકટરની ટીમ સાથે અમને એક ડોકટરની જેમ સારવાર કરવાનો મોકો મળ્યો. ખાસ કરીને પર્સનલ પ્રોટેકશન કેર વિષે અમને શીખવા મળ્યું. પી.પી.ઈ. કીટ, માસ્ક, ગ્લોવ્ઝ પહેરી ઘણા બધા કામ સાવચેતી સાથે કેમ કરવા તે શીખવા મળ્યું.  દર્દીઓની ફાઈલ, ડોકયુમેન્ટેશન, ટેસ્ટ ટ્યુબ પર ડીટેઇલ લખવી, નર્સિંગ સ્ટાફને ઇન્સ્ટ્રકશન આપવી સહીત ઓ.પી.ડી.નો અનુભવ મળ્યાનું અને તેના માટે મેડિકલ કોલેજના ખુબ આભારી હોવાનું વૃદ્ઘિ કહે છે.

વૃદ્ઘિને ગુજરાતીમાં વાતચીત કરવામાં તકલીફ પડતી હતી.. શરૂઆતમાં દર્દીઓ સાથે વાત કરવામાં સંકોચ થતો, જે ધીરે ધીરે દૂર થયો. ઉપરાંત દર્દીઓને દાખલ કરવા તેમની સાથે પરિજનો આવ્યા હોઈ તેમના મનમાં અનેક શંકા-કુશંકા રહેતી, જે વાતચીત દ્વારા હલ કરવાની તેમને ફાવટ આવી ગઇ છે. મોટી ઉંમરના વડીલોની વિશેષ સારસંભાળ રાખવાનું શીખવા મળ્યાનું તેઓ જણાવે છે.

ભવિષ્યમાં સર્જરી કે ગાયનેક ફીલ્ડમાં માસ્ટરી મેળવી દર્દીઓની સેવા કરવાનું સ્વપ્ન સેવતી વૃદ્ઘિ મેડિકલ ફિલ્ડ પસંદ કરવા બદલ ખુબ ગૌરવ અનુભવે છે. હાલ તેઓ નિયમ મુજબ હોમ આઇસોલેશનમાં છે. જરૂર પડ્યે ફરી ફરજ પર જવા વૃદ્ઘિ ઉત્સાહી હોવાનું જણાવે છે.

(1:21 pm IST)