Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સમરસ કોવિડ સેન્ટરના ૧૨૦ એટેન્ડન્ટ્સ બની રહ્યા છે પથારીવશ વડિલોની લાઠી

કોરોના દર્દી અમારા કામનો નહિ, હૃદયનો હિસ્સોઃ જયેશ ભોરણીયા

રાજકોટ : સમરસ કોવીડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા ૧૨૦ એટેન્ડન્સની. જેઓ 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના વિચાર સાથે વયોવૃધ્ધ લોકોની નિષ્કામ સેવા કરીને સાચા અર્થમાં પોતાનું યુવાજીવન સફળ કરી રહ્યા છે.  મેડીકલ ઓફિસર, સ્થાનિક તબીબ અને નર્સિંગ સ્ટાફને સહાયરૂપ બનતા એટેન્ડન્સ દર્દીઓના સુખ-દુઃખનો હિસ્સો બની કામ કરી રહ્યા છે. પેશન્ટ્સનો પડછાયો બનીને તેમના શરીર-મનના આરોગ્યની દેખરેખ કરવી, ભોજન કારાવવું, સમયસર દવા આપવી, હાલ-ચાલ પુછવા અરે ત્યાં સુધી કે અશકત દર્દીઓને સ્નાન કરવા અને દૈનિક ક્રિયાઓ જેવી કે શૌચ-બાથરૂમ જવામાં પણ મદદ કરી રહ્યા છે.

દર્દીઓની સેવા કરી રહેલા ૧૯ વર્ષીય એટેન્ડન્ટ જયેશ ભોરણીયાએ કહ્યું હતું કે, 'જીવનકાળના સૂર્યોદય અને સૂર્યાસ્તમાં માનવીને સૌથી વધુ હુંફની જરૂર પડતી હોય છે. ઘણા વડીલો ઉંમરના કારણે ચાલી શકતા નથી. તેમને વોશરૂમ સુધી લઈ જઈએ છીએ. તેમને સ્નાન કરાવીને કપડાં પણ પહેરાવીએ છીએ. એક બાળકની જેમ તેમની દેખરેખ રાખતા હોવાથી તેઓ અમારા કામનો નહીં પરંતુ હદયનો હિસ્સો બની ગયા છે.'

પૈસા કમાવવા સહેલા છે પરંતુ કોઈની દુઆઓ મેળવવી અઘરી છે. હું રોજ વડીલોની દુઆઓ મેળવી રહી છું. ઈશ્વરનો આભાર કે તેઓએ મને નિમિત્ત બનાવી કે હું દર્દીઓની સેવા-સુશ્રુષા કરી શકું. જયારે તેઓ સ્વસ્થ થઈને પરત ફરતી વેળાએ ગળગળા થઈને અમને ભેટી પડે છે ત્યારે અમારી આંખોમાં પણ આંસુઓ આવી જાય છે. બસ, સૌ કોઈ સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના, તેમ એટેન્ડન્ટ મિત્તલ પાથરે જણાવ્યું હતું.

(1:21 pm IST)