Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સ્વજન સમજી અપાય છે સારવારઃ કર્મયોગીઓની અવિરત સેવા

રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ બહેનો, હાઉસ કીપિંગ સ્ટાફ દર્દીના પરિવારજનોની જેમ સેવાની દરકાર લઈ રહ્યા છે. રાજકોટમાં જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ સમરસ હોસ્ટેલના કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર અને સેવા માટે સ્ટાફ રાત દિન કામ કરી રહ્યા છે.

રાજકોટ સમરસ હોસ્ટેલમાં ત્રણ મહિનાથી કામ કરતા રાજુલાના કુરેશી નાદીરાબેને જણાવ્યું હતું કે મને સીધું જ રાજકોટમાં કોરોના દર્દીઓની સેવા અંગેનું કામ મળ્યું તેનો આનંદ છે. મને કયારેય ડર લાગ્યો નથી. માત્ર સાવચેતીની જરૂર છે. ત્રણ મહિનાનો સારો અનુભવ રહ્યો છે. બહારથી આવેલા કર્મયોગીઓ માટે રહેવાની પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ઘાશ્રમના વડીલો હોય કે અન્ય દર્દીઓ  હોસ્પિટલમાં તેના પરિવારજનોના ન હોય એટલે તેના પરિવારના  સભ્યોની જેમ સેવા કરીએ છીએ. સમરસ હોસ્ટેલના કેર સેન્ટરના બીજા એક કર્મયોગી રસીલાબેન પણ સેવા આપે છે. તેઓએ પણ સરકાર દ્વારા સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી વ્યવસ્થા હોવાનું અને સેવા કરવાનો આનંદ છે તેમ જણાવ્યું હતું.

સમરસ સી.સી.સી. બોયઝ હોસ્ટેલના નોડલ ઓફિસર ડો. ભાનુ મેતાએ જણાવ્યું હતું કે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બધી જ સગવડતા કેર સેન્ટરમાં ઉપલબ્ધ કરાવાઇ છે. તબીબો દ્વારા નિયમિત તપાસ અને જમવાની, ચા-પાણીની તેમજ અન્ય સારવારલક્ષી સુવિધાથી દર્દીઓ સંતોષ વ્યકત કરી રહ્યા છે.

(1:22 pm IST)