Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૭૨ વર્ષના દયાબેને કોરોનાને હરાવી દીધો...કોણ કહે છે વૃધ્ધો માટે કોરોના ગંભીર છે?

'કોણ કહે છે કે, વયોવૃદ્ઘ લોકો માટે કોરોના ગંભીર સમસ્યા છે,' મારા ૭૨ વર્ષીય સાસુએ કોરોના મુકત થઇને આ બાબત ખોટી સાબિત કરી છે.  સિવિલ હોસ્પિટલ દ્વારા મારા સાસુને સારી સારવાર આપવામાં આવી છે, અને એ પણ તદ્દન નિઃશુલ્ક. જે બદલ અમારો પરિવાર સિવિલ હોસ્પિટલનો ખૂબ ઋણી છે 'આ શબ્દો છે તાજેતરમાં કોરોના મુકત બનેલ ૭૨ વર્ષીય દયાબેન જેઠવાના જમાઇ રમેશભાઈ અકબરીના જેમના સાસુ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં સઘન સારવાર મેળવી કોરોનામુકત બન્યા છે.'      

દયાબેનને તાવ અને ઉધરસ, શરીરમાં નબળાઈ તથા શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેમના જમાઈ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા, જયાં ટેસ્ટ કરતા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. તબીબો અને આરોગ્ય કર્મીઓની મહેનતના પરિણામે કોરોનામુકત બનેલા વયોવૃધ્ધ દયાબેન પોતાની સારવારનો અનુભવ વ્યકત કરતાં જણાવે છે કે, 'મને શરીરમાં કળતર થવા લાગી અને તાવ આવી ગયો તેથી હું તુરંત રાજકોટ સિવિલમાં દાખલ થઈ, ત્યાં કાર્યરત ડોકટરોએ મારી શ્વાસની તકલીફ નિવારવા માટે મને સઘન સારવાર આપી, ૩ દિવસની સારવાર બાદ મારી શ્વાસની તકલીફ દૂર થતાં મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી ત્યાં પણ સ્થાનિક ડોકટરોએ મારી ખુબ જ સારી સારવાર કરી, ખાસ તો મારી બીમારીને ધ્યાને લઈને ડોકટરો વારંવાર મને પૂછતાં 'બા, તમારી તબિયત તો સારી છે ને, તમે બરોબર જમ્યા ?' જાણે મારો પરિવાર મારૃં ધ્યાન રાખતો હોય તેમ તે લોકો મારુ ધ્યાન રાખતા, ડોકટરો અને સ્ટાફની મહેનતથી મારી તંદુરસ્તી પાછી આવી છે, તેઓની મહેનતને કારણે જ મેં કોરોનાને હરાવ્યો છે.'

(1:23 pm IST)