Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પ્રજ્ઞા સભા સ્થાનિક સંશોધનોને પ્રોત્સાહિત કરશે

ઇ-વર્કશોપ સંપન્નઃ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સંશોધનપત્રો રજૂ થયાઃ વરિષ્ઠ અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા. ૮: તાજેતરમાં પ્રજ્ઞા સભાનો ઇ-વર્કશોપ યોજાયો હતો. જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્થાનિક ક્ષેત્રે થતા લોકોપયોગી સંશોધનોને પ્રોત્સાહન અપાશે.

જન-જનને સ્પર્શે છે એવા લોક કલ્યાણકારી શિક્ષણ-સંશોધન-પ્રસ્તુતી-પ્રસાર માટે પ્લેટફોર્મ પુરૃં પાડવાનું કાર્ય રા.સ્વ. સંઘ પ્રેરીત પ્રજ્ઞાસભા-સૌરાષ્ટ્ર કરે છે. જેને અંતર્ગત આજે વિવિધ વિષયોનાં નિષ્ણાંત એવા ૧૦૦ થી વધારે સંશોધનકારો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોડાયેલા છે.

સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયો જેવા કે કૃષિ, ઉદ્યોગ, વાણિજય, અર્થશાસ્ત્ર, શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણ, કાયદો અને ન્યાય, આંતરિક સુરક્ષા, આરોગ્ય, વનબંધુ અને સેવબંધુ વિગેરે પર આ સંશોધનકારો પોતાનો સમય અને સ્વયંના ખર્ચે સમાજ માટે સંશોધન અને પ્રસારનું કાર્ય કરે છે. એમનાં દ્વારા વિવિધ વિષયો રજુ કરવામાં આવ્યા જેમાં (૧) ડો. દેવીત ધ્રુવ અને નીપાબેન પાંધી દ્વારા સાયન્સ અને ટેકનોલોજી (ર) ડો. આશિષ મકવાણા અને ડો. આલોક ચક્રવાલ દ્વારા કોમર્સ અને ઇકોનોમિક (૩) ડો. જીવરાજ ચૌધરી અને વિશાલભાઇ ચાવડા દ્વારા કૃષિ અને પશુપાલન (૪) ડો. ભાર્ગવીબેન ઉપાધ્યાય અને વૈશાલીબેન વિઠલાણી એ કાયદો અને ન્યાય, (પ) ધર્મેશભાઇ પાટડીયાએ આંતરિક સુરક્ષા ઉપર અને છેલ્લે ડો. નિલય પંડયાએ ડિસ્કવર ઇન્ડિયા પર એમ અલગ અલગ વિષયો ઉપર સંશોધન પત્ર રજુ કરવામાં આવ્યા. આ સંશોધન પેપરોનું પ્રસ્તુતીકરણનો એક ઓનલાઇન ઇ-કાર્યશાળા (ઇ-વર્કશોપ) માધવ ક્રેડિટ કો. ઓ. સોસાયટી ખાતે પ્રજ્ઞા સભા સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ દ્વારા યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંઇરામ ભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવેલ કે ગણેશજીનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરનારો દુનિયાના પ્રથમ સર્જન ભગવાન શિવ હતા. બ્રહ્માસ્ત્ર, અગ્નિયાશસ્ત્ર, પશુપશાસ્ત્ર જેવા અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન દુનિયાને ભારતે સર્વ પ્રથમ આપ્યું છે.

મુખ્ય વકતા તરીકે રા. સ્વ. સંઘના ક્ષેત્ર પ્રચારક લિમયે કે જેમણે આ પ્રજ્ઞા સભાની મૂળ સંકલ્પના આપેલ અને આ સંસ્થાએ ભવિષ્યમાં કઇ રીતે કાર્ય કરવું અને સંશોધનકારોના સંશોધનો સમાજના વિવિધ ક્ષેત્રે ઉપયોગી બને અને રાષ્ટ્રને મદદરૂપ થાય તે અંગે માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમમાં રા.સ્વ. સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંઘ ચાલક મુકેશભાઇ માલકાણ તેમજ પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી ઉપસ્થિત રહી પ્રેરણા પુરી પાડેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના મુખ્ય સંયોજક મનીષભાઇ શાહ, રાજુભાઇ માંડલીયા, સહઃ સંયોજક નિલયભાઇ પંડયા તેમજ જૈમીનભાઇ સંઘાણી, ડો. શીલુ, કલ્પેશભાઇ રાણીંગા, દિપેશભાઇ સતાણી, પંકજભાઇ રાવલ, જીતુભાઇ મણિયાર વિગેરેએ જહેમત ઉઠાવેલ. વધારે વિગતો માટે મનીષભાઇ શાહ મો. ૯૦૯૯૯ ૩૯૪૯૬નો સંપર્ક થઇ શકે છે.

(2:52 pm IST)