Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

'નલ સે જલ' યોજના

શહેરમાં પ૦ હજાર ભૂતિયા રેગ્યુલાઇઝની ઝૂંબેશઃ ૪ાા કરોડની આવકનો અંદાજ

દરેક વોર્ડ ઇજનેરને ભૂતિયા શોધી કાયદેસર કરાવવાની જવાબદારી સુપ્રત કરતા ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૮ :.. રાજય સરકારે ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવા માટે 'નલ-સે-યોજના' અમલી બનાવાય છે જે અંતર્ગત શહેરમાં અંદાજે પ૦ હજાર જેટલા ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવાની ઝૂંબેશાત્મક કામગીરી મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે શરૂ કરાવી છે. આ અંગે વોર્ડ ઇજનેરોને તેઓનાં વોર્ડમાં ભૂતીયા નળ જોડાણો શોધીને તેને રેગ્યુલાઇઝ કરાવવાની જવાબદારી સુપ્રત કરતાં હુકમ બહાર પાડયો છે.

આ હુકમમાં જણાવાયુ છે કે ભારત સરકારની 'નલ સે જલ' યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં ટેપ વોટરથી મળે તે માટે નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાનાં પાણીનું નેટવર્ક ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં જે નાગરીકો દ્વારા કોઇ પ્રક્રિયા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા-લિંક કરવા અંગેની કાર્યવાહી કરવાની થાય છે.

'નલ સે જલ' યોજનાના અસરકારક અમલવારી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના દરેક વોર્ડ ખાતે ઉકત કામગીરી ઝૂંબેશ સ્વરૂપે કરવી ખુબ જ આવશ્યક છે. જેમાં (૧) મિલ્કતની આકારણી અને નળાં લિન્કિંગ કરવાની તમામ કામગીરી લગત વોર્ડનાં વોર્ડ ઓફીસરશ્રીએ કરવાની રહેશે ત્થા (ર) ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ- કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા અંગેની ફિલ્ડ વર્કની કાર્યવાહી કરવા લગત વોર્ડનાં વોર્ડ એન્જીનીયરએ તેમના તાબા હેઠળના સ્ટાફ મારફતે કરાવવાની રહેશે.

ઉકત કામગીરીનું વખતો-વખતનું સુપરવિઝન અને સંકલન લગત વોર્ડનાં વોર્ડ ઓફીસર અને લગત વોર્ડનાં વોર્ડ એન્જીનીયરએ કરવાનું રહેશે.

૪ાા કરોડની આવક

નોંધનિય છે જો અંદાજ મૂજબ પ૦ હજાર ભૂતિયા નળ રેગ્યુલાઇઝ થઇ જાય તો ભૂતિયા નળનો વહીવટી ચાર્જ વગેરે મળી મ્યુ.કોર્પોરેશનને ૪ાા કરોડની આવક થવાનો અંદાજ છે.

અગાઉ ર૦ હજાર નળ કાયદેસર થયેલ

અત્રે નોંધનિય છે કે થોડા વર્ષો અગાઉ જે-તે વખતના મ્યુ.કમિશ્નર વિજય નેહરા દ્વારા ભૂતિયા નળ શોધીને રેગ્યુલાઇઝ કરવાની યોજના હાથ ધરાયેલ તે વખતે ર૦ હજાર જેટલા ભૂતિયા નળને કાયદેસર કરવામાં આવ્યા હતા જેના પાણી વેરાની આવક તંત્રને હવે દર વર્ષે થવા લાગી છે.

અહો વૈચિત્રયમ્ : નળ રેગ્યુલાઇઝ માટે કોર્પોરેશનનું મકાન વેરા બીલ નહી ચાલે

રાજય સરકારની નલ-સે-જલ યોજના હેઠળ શહેરમાં ભૂતિયા નળ કાયદેસર કરવાની યોજના અમલી બનાવવામાં આવી રહી છે. ત્યારે ભૂતિયા નળને રેગ્યુલાઇઝ કરવા માટે રહેઠાણના પુરાવા માટે ખુદ મ્યુ.કોર્પોરેશનનું મકાન વેરાનું બીલ ચલાવવામાં નહી આવે. માત્ર લાઇટ બીલ, ટેલીફોન બીલ, ગેસબીલ જેવા અન્ય સરકારી બીલો માન્ય રાખવામાં આવશે.  આ વિચિત્ર નિયમની પ્રજામાં કચવાટ ફેલાયો છે.

(2:56 pm IST)