Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટ જિલ્લાની ૨૦ હજારથી વધુ વિધવા બહેનોને રૂપિયા ૭.૮૬ કરોડની સહાય

રાજકોટ, તા.૮: પતિના મૃત્યુ બાદ વિધવા બહેનો સમાજમાં આર્થિક અને સામાજિક રીતે પોતાનું જીવન સારી પસાર કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલી 'ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના' દ્વારા ગંગા સ્વરૂપ બહેનોનો આધાર બની છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થી બહેનોને રૂ. ૧૨૫૦ ની સહાય ઝ્રગ્વ્ મારફત ચુકવવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આ યોજના અન્વયે સરકારશ્રી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન માર્ચ અંતિત કુલ ૨૧,૪૨૪ લાભાર્થીઓ બહેનોને ૧૨૫૦ લેખે રૂ. ૭.૮૬ કરોડની રકમ DBT મારફત તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. તેમજ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય હેઠળ જિલ્લામાં ૭૦૩૨ થી વધુ બહેનો નોંધાયેલી છે, તેમ નાયબ મામલતદાર જે.જે.પંડ્યા દ્વારા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ગંગા સ્વરૂપા બહેનો સંબંધિત મામલતદાર કચેરી કે તાલુકા મામલતદાર કચેરીમાંથી અરજી કરી શકે છે.

જેતપુર આઇટીઆઇમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

રાજકોટ, તા.૮: ઔદ્યોગિક તાલીમ સંસ્થા - આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૯ ઓકટોબર સુધીમાં સવારે ૯:૩૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ કવાર્ટર સામે, માવતર વૃદ્ઘાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)