Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગોવાથી આવેલ ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૮: ગોવાથી મંગાવેલ ૧૮૦ પેટી કુલ ર૧૬૦ નંગ બોટલ ઇંગ્લીશ દારૂ વેચાણ કરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીના જામીન અરજી અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે ભાડલા પોલીસ સ્ટેશન દ્વારા બાતમીના આધારે ખડવાવડી ગામની સીમમાં આરોપી સુરેશભાઇ લાધાભાઇ માલકીયાની વાડીમાં તા. ૧૪-૯-ર૦ના રોજ રેડ પાડતા રેડ દરમ્યાન આરોપી નં. ૧ સુરેશભાઇ લાધાભાઇ માલકીયા નંબર-ર વિજયસિંહ સુરૂભાઇ ઝાલા નંબર-૩ ધીરૂભાઇ આલાભાઇ ધાડવી મળી આવતા ધોરણસર અટક કરી રીમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ હવાલે કરતા કોર્ટે જેલ હવાલે કરેલ છે. આ દરમ્યાન આરોપી નંબર-ર વિજયસિંહ સુરૂભા ઝાલા દ્વારા જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ હતી.

અરજદાર આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ એ. એસ. ગોગિયાએ એવી રજુઆત કરેલ કે, ગુન્હો પ્રોહી. એકટ હેઠળ એવી રીતે કે આ કામના આરોપી નં. ૧ ના એ પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલ ઓરડામાં તથા આરોપી નં.-ર ના એ પોતાના કબજા ભોગવટાની ટાટા સુમો કાર રજી. નં. જીજે-૦૩-ડીએન-રરપ૦ કિ. રૂ. પ,૦૦,૦૦૦/- માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭પ૦ એમ.એલ. ક્ષમતાની જુદી જુદી બ્રાંડની બોટલ નંગ ર૧૬૦ (૧૮૦ પેટી) કિ. ૯,૩૦,૩૦૦/-નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખી તથા એક જીયો કંપનીનો સાદો ફોન કિંમત રૂ. ૩૦૦/- મળી આવેલ કુલ રૂ. ૧૪,૩૦,૬૦૦/- (અંકે રૂપિયા ચૌદ લાખ ત્રીસ હજાર છસ્સો પુરા)ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવી ગુન્હો કરવામાં એક બીજાની મદદગારી કરેલ હોય તેમજ દારૂનો વિશાળ હેરાફેરી કરી કટીંગ કરી આ દારૂનો જથ્થો કયાંથી મેળવેલ તેની તપાસ હાલ ચાલુ હોય તથા અન્ય સહઆરોપીઓને પકડવાના બાકી હોય હાલના અરજદાર આરોપી ગુન્હામાં પ્રથમથી સામેલ હોય જેથીસ જામીન રદ કરવી જોઇએ.

બંને પક્ષકારોની રજુઆતો તેમજ પોલીસ પેપર્સ તથા પોલીસ અમલદારનું સોગંદનામું વગેરે ધ્યાને લીધા બાદ નામદાર એડીશનલ સેસન્સ જજ શ્રી એવી હીરપરાએ સરકારપક્ષે રજુ થયેલ દલીલો સાથે સહમત થતા અરજદાર આરોપીની જામીન ઉપર છુટવાની અરજી રદ કરતો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયા રોકાયેલ હતા.

(2:57 pm IST)