Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કુવાડવા રોડ-રણછોડવાડી પાસે પુત્રની હત્યાના ગુનામાં પકડાયેલ જનેતાના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ ઉપર આવેલ રણછોડવાડીમાં સગા પુત્રની નિર્મમ હત્યા કરનાર જનેતાનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૪-૪-ર૦નાં રોજ ફરીયાદી કિશોરભાઇ પોપટભાઇ ડાંગરીયાએ પોતાની પત્ની દક્ષાબેન વા/ઓ કિશોરભાઇ ડાંગરીયાએ પોતાનાં સગા પુત્ર પ્રિન્સ ઉ.વ.૧૭ વાળાને દુપટાથી ગળાટુપો દઇ ખુન કરી નાખ્યાની ફરીયાદ તા. પ-૪-ર૦નાં રોજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

ફરીયાદીની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી પોતે રણછોડવાડી શેરી નં. ૭ માં રહેતા હતા અને સેટેલાઇટ ચોકમાં આવેલ હરીદર્શન નામના કારખાનામાં મજુરી કામ કરતા હતા અને ફરીયાદીનાં લગ્ન ગોવિંદનગરમાં રહેતા ગોરધનભાઇ કેશવભાઇ તોગડીયાની દીકરી દક્ષાબેન સાથે થયેલ હતા અને સંતાનમાં મરણજનાર પ્રિન્સ ઉ.વ.૧૭ તથા એક દિકરી ઉ.વ. ૧પ વાળી હતા અને તેના બંને સંતાનો અભ્યાસ કરતા હતા.

આમ મરણજનાર પ્રીન્સ ખુબ જ બીમાર રહેતો હોવાથી અને પથારીવશ જ હોવાથી અને ઘણા ડોકટરો પાસે તેમની સારવાર કરાવવા છતાં સારૂ ન થતા કંટાળી જઇને તેની સગી માતાએ તેના સગા પુત્રનું દુપટ્ટા વડે ગળુ દબાવીને ખુન કરી નાખેલ હતું જે અંગે ફરીયાદ આરોપી દક્ષાબેનનાં પતિ કિશોરભાઇ ડાંગરીયાએ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદમાં મરણજનારની માતુશ્રી દક્ષાબેન કિશોરભાઇ ડાંગરીયા અટક થઇ જતા અને તેઓની સામેનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થઇ ગયા બાદ જામીન પર છુટવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી નામંજુર થતા જે હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર છુટવા માટે જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે અમુક શરતોને આધીન રૂપિયા દશ હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અંશ ભારદ્વાજ, નીલ શુકલ, નૈમિષ શુકલ, ચેતન પુરોહિત તથા હાઇકોર્ટમાં ખિલન ચાંદ્રાણી રોકયા હતા.

(2:57 pm IST)