Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દારૂડીયા બાપને પતાવી દીધાનો દિકરા રોહિત ઉર્ફ માથારાને લગરીકેય અફસોસ નથીઃ કહ્યું-નિરાંત થઇ

હાલ તો તારા પપ્પા ઝઘડો કરે છે...કહી દિકરાને ગીતાબેન બોલાવી લાવ્યા ને હત્યા થઇ : સવારે આઠ વાગ્યાથી રાજુભાઇએ પત્નિ સાથે ઝઘડો ચાલુ કર્યો'તોઃ સોનાના બુટીયા માંગ્યા પછી મોટાભાઇની માલવાહક યુટીલીટી લઇ જવા જીદ પકડીઃ ના પાડતાં છરી લઇ મારવા દોડ્યો, એ જ છરીથી તેનું ખૂન થયું

રાજકોટ તા. ૮: 'રોજનું થઇ ગ્યું'તું...કેટલુક સહન કરવાનું...હવે નિરાંત થઇ ગઇ'...પિતાની હત્યાના ગુનામાં પકડાયેલા ચુનારાવાડ શિવાજીનગરના રોહિત ઉર્ફ માથારાએ આવું રટણ કર્યુ હતું. ગઇકાલે રાજુભાઇ ઉકાભાઇ મકવાણા (ઉ.વ.૪૫)ની હત્યામાં થોરાળા પોલીસે ગણતરીના સમયમાં આરોપી તેના જ દિકરા રોહિત ઉર્ફ માથારો (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી. પિતા ઘરમાં અવાર-નવાર નશાની આદતને કારણે માથાકુટ કરતાં હોઇ અને ગઇકાલે પણ ખેલ કરતાં તેની જ છરીથી હુમલો કરી તેને પતાવી દીધાનું રોહિતે કબુલ્યું હતું. છરી, લોહીવાળા કપડા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી રોહિતને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવામાં આવ્યો છે.

પોલીસે હત્યાનો ભોગ બનેલા રાજુભાઇના પત્નિ ગીતાબેન મકવાણા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી તેના જ દિકરા રોહિત ઉર્ફ માથારા વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે. ગીતાબેને જણાવ્યું હતું કે અમે પાંચ દિયરીયા-જેઠીયા અડોશ-પડોશમાં રહીએ છીએ. મારા જેઠા ચનાભાઇ તથા દિયર રવજીભાઇ બાજુમાં જ રહે છે. ૭મીએ સવારે આઠેક વાગ્યે પતિએ ઝઘડો ચાલુ કર્યો હતો. એ પછી નવેક વાગ્યે ગાળો દઇ રૂપિયાની જરૂર છે તેમ કહી મારી પાસેથી મારા સોનાના બુટીયા માંગ્યા હતાં. મેં ના પાડતાં ગાળો બોલતાં શેરીમાં આવયા હતાં. ત્યાં મારા જેઠ ચનાભાઇની માલવાહક યુટીલીટી પડી હોઇ તે લઇને તેને બહાર જવું હતું.

મેં તેને કોઇને પુછ્યા વગર ગાડી ન લઇ જવાય તેમ કહેતાં છરી કાઢી મારી પાછળ દોડતાં હું ભાગીને મારો દિકરો ચુનારાવાડ-૮માં ગણેશની કેબીન પાસે બેઠો હોઇ ત્યાં ગઇ હતી અને તેને 'તારા પ્પ્પા ઝઘડો કરે છે, છરી લઇને મારવા દોડ્યા હતાં' તેમ કહેતાં તે ઘરે આવ્યો હતો. દિકરા રોહિતે સમજાવવાનો પ્રયાસ કરતાં તેને પણ ગાળો દીધી હતી અને છરી લઇ મારવા દોડતાં રોહિતે છરી ખૂંચવી લઇ તેનાથી ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં બધા ભેગા થઇ ગયા હતાં. બીજા દિકરા અજયએ ૧૦૮ બોલાવતાં પતિને હોસ્પિટલે લાવ્યા હતાં. અહિ પહેલા મેં ગભરાઇને પતિએ જાતે છરી મારી લીધાની વાત કરી હતી.  ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા, કનુભાઇ ઘેડ, જયદિપભાઇ ધોળકીયા, નરસંગભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, સહદેવસિંહ જાડેજા સહિતે આરોપીને પકડી લીધો હતો. જેને જેલહવાલે કરવાનો અદાલતે આદેશ કર્યો હતો.

(2:59 pm IST)