Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કાર ભાડે કરી વેંચી નાખવાનું કૌભાંડઃ બે પકડાયા

બે ભેજાબાજ મુળ વિસાવદર ચાંપરડાના હાલ મુંબઇ રહેતાં વિપુલ માંગરોળીયા અને હાલ સુરત રહેતાં દિવ્યેશ પટોળીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા : ટૂર્સ ટ્રાવેલ્સના ધંધાર્થીનો ઓનલાઇન એપ્લીકેશનમાંથી નંબર મેળવી લગ્ન કે હોસ્પિટલના કામે કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે જોઇએ છે...તેવી વાત કરી વિશ્વાસ કેળવતાં: એ પછી ડુપ્લીકેટ આરસી બૂક અને નવા નંબર લગાવી કાર વેંચી મારતાં: ૨૩.૫૦ લાખની બે કાર, કોરા ચૂંટણી કાર્ડ, કોરા ડ્રાઇવીંગ લાયસન્સ, કોરા સ્માર્ટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પ્રિન્ટર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે : એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમને સફળતા : અમીતભાઇ અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી : છેતરીને મેળવેલી કાર અન્ય રાજ્યમાં વેંચી નાંખતાઃ જેથી મુળ માલિક ગાડી શોધી શકે નહિ

ગજબની ગઠીયાગીરીઃ ક્રાઇમ બ્રાંચે ઠગાઇથી કાર ભાડે લઇ જઇ બોગસ આરસી બૂક બનાવી તેમજ બોગસ નંબર પ્લેટ લગાડી વેંચી નાંખવાનું કૌભાંડ આચરતા બે ગઠીયા વિપુલ અને દિવ્યેશને પકડી લઇ બે કાર તથા બોગસ દસ્તાવેજો ઉભા કરવાની સાધન સામગ્રી કબ્જે કરી છે. તસ્વીરમાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા વિગતો આપતા જણાય છે. સાથે ટીમના કર્મચારીઓ અને કોન્સ. મિતાલીબેન ઠાકર પણ નજરે પડે છ.

રાજકોટ તા. ૮: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓના ઓનલાઇન એપ્લીકેશનમાંથી ફોન નંબર મેળવી તેની સાથે અઠવાડીયા અગાઉ કાર લગ્ન પ્રસંગે કે હોસ્પિટલના કામ માટે સેલ્ફ ડ્રાઇવથી ભાડેથી જોઇએ છે તેવી વાત કરી બાદમાં પોતાના ફોટાવાળા આઇડી કાર્ડ સહિતની ચીજવસ્તુઓ આપી એડવાન્સ ભાડુ ચુકવી કાર ભાડે લઇ જઇ તેની બોગસ આરસી બૂક, નંબર પ્લેટ બનાવી બારોબાર બીજા રાજ્યમાં વેંચી નાંખવાનું કૌભાંડ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લઇ મુળ વિસાવદર પંથકના હાલ મુંબઇ અને સુરત રહેતાં બે શખ્સોને દબોચી લઇ ઠગાઇથી ભાડે કરી વેંચી નાંખેલી બે કાર તથા નકલી દસ્તાવેજો ઉભા કરવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ, મોબાઇલ ફોન મળી રૂ. ૨૪,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બંનેની વિશેષ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે વિપુલ  ધીરૂભાઇ પરબતભાઇ માંગરોળીયા (ઉ.વ.૩૫  રહે. મુંબઇ, વિરાર વેસ્ટ, વિરાટનગર મેઇન રોડ, ચાણકય ચોક, શ્યામ ગાર્ડન એપાર્ટમેન્ટ બી/૪૦૬, મુંબઇ મહારાષ્ટ્ર મુળ ગામ ચાંપરડા તા.વિસાવદર જી.જુનાગઢ) તથા તેની સાથેના દિવ્યેશ મધુભાઇ પટોળીયા (રહે. નંદની રેસીડન્સી રામવાટીકાની બાજુમા વેલંજાગામ, સુરત, મુળ ચાંપરડા ગામ મેઇન બજાર તા. વિસાવદર)ને પકડી લઇ થોરાળા અને તાલુકા પોલીસમાં નોંધાયેલા કારની ઠગાઇના બે ગુના ડિટેકટ કર્યા છે. આ બંને કઇ રીતે ગઠીયાગીરી કરતાં હતાં અને કેવા કેવા કિમીયા અજમવાતાં હતાં તેની વિસ્તૃત વિગતો અહિ રજૂ કરી છે.

'શિકાર' શોધવા માટે ટેકનોલોજીનો ઉપયોગ

બંને ગઠીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા અને સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતા વ્યકિતઓનો ઓનલાઇન એપ્લીકેશન જેવી કે જસ્ટ ડાયલ, ગુગલ જેવી એપ્લીકેશનો માંથી કોન્ટેકટ નંબર મેળવી તેમા સંપર્ક કરી પોતાને કોઇ લગ્ન પ્રસંગ કે હોસ્પીટલના કામ માટે કાર સેલ્ફમા ભાડે લઇ જવાનુ બહાનુ બતાવી અને કાર માલીકને વિસ્વાસમા  લઇ એડવાન્સમા ભાડુ આપી અને કાર મેળવી લેતાં હતાં.  

ફોટાવાળુ આઇડી પ્રુફ અને એડવાન્સ ભાડુ આપી વિશ્વાસ કેળવતાં

આ કામના આરોપીઓ જસ્ટ ડાયલ ગુગલ જેવી ઓન લાઇન એપ્લીકેશન માંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો ધંધો કરતા એજન્ટોનો નંબર મેળવી તેની સાથે એડવાન્સ મા એક વીક પહેલા વાત કરી લેતા અને પોતાને સેલ્ફ ડ્રાઇવ મા ગાડીની જરુરીયાત છે અને જરુર પડશે ત્યારે કોન્ટેકટ કરસે એવી વાત કરી અને વિશ્વાસમા લઇ લેતા ત્યારબાદ અમુક દીવસો બાદ ફરી એજ કાર માલીકનો કોન્ટેક કરી અને કાર ભાડે લેવા માટે આ ટોકળીમા નો એક વ્યકિત રૂબરૂ જતો અને તેમને કોઇ દવાખાનાનુ કે પોતાના કુટુંબીક પ્રસંગનુ કારણ બતાવી અને પાંચ થી સાત દીવસ માટે સેલ્ફ મા ડ્રાઇવ માટે કાર ભાડે  કરવાનુ કહી અને પોતાના ફોટા વાળુ ખોટુ આઇ. ડી પ્રુફ અને એડવાન્સમા ભાડુ આપતા હતાં.

જી.પી.એસ. સિસ્ટમ કાર માલિક ગિાડી સોંપી દેતાં

ગાડીમા જી.પી.એસ. સીસ્ટમ ફીટ હોવાથી કાર માલીક વિશ્વાસમા રહી અને ગાડી સોપી દેતા આ ટોળકી પોતે જે રૂટ ઉપર જવાના હોય એજ રૂટ કાર માલીકને ભાડા માટે લખાવતા આથી કાર માલીકને પણ પોતાની ગાડીના રૂટ બાબતે જી.પી.એસ. સિસ્ટમમાના ટ્રેકરથી કોઇ શંકા ઉભી થાય નહિ.

અમુક કિ.મી. અંતર કાપ્યા બાદ રાત્રે જી.પી.એસ. સિસ્ટમ હટાવી દેતાં

બંનેગઠીયા જયારે કાર ભાડે લેવા જતા ત્યારે કાર માલીક પાસેથી જી.પી.એસ. સીસ્ટમ બાબતે જાણી લેતા અને કાર લીધા બાદ જે રૂટ માલીકને કીધેલ હોય તેજ રૂટ ઉપર જતા જેથી કાર માલીકને પોતાની કાર બાબતે કોઇ શંકા નજતી અને બાદ અમુક કીલોમીટરનુ અંતર કાપ્યા બાદ મોડી રાત્રે આ ટોળકી જી.પી.એસ. સીસ્ટમ ગાડી માંથી કાઢી અને ફેકી દેતાં અને ત્યારબાદ પોતાના ફોન પણ બંધ કરી દેતા જયારે માલીક બીજા દીવસે જી.પી.એસ. સીસ્ટમ ચેક કરે ત્યારે તેમને પોતાની ગાડીનુ લોકેશન મળવાનુ બંધ થતુ પણ ત્યા આ ટોળકી બહુ દુર જતી રહેતી માટે અરજદાર માટે ગાડીનો કોન્ટેકટ કરવો અશકય બની જતો હતો.

કોરોનાના દર્દીના નામે  પણ ઠગાઇઃ ગઠીયો ડોકટર બન્યો!

એક  ઇનોવા કાર ભાડે મેળવવા માટે કાર માલીકને વિપુલે એવુ એવુ જણાવેલ કે હુ અમદાવાદ દાંતનો ડોકટર છુ અને કોરોનાના લીધે ઉપલેટા શિફટ થયેલ છુ અને મારા મમ્મીને કોરોના થયેલ હોઇ અમદાવાદ હોસ્પીટલમાંથી તેને તા. ૨૮/૦૮ના રજા આપે ત્યારે તેડવા જવાના છે અને ચાર દીવસ માટે કાર લઇ જવી છે તેવું બહાનું કરી કોરોના મહામારીમાં કાર માલીકની અનુકંપા મેળવી ચીટીંગથી કાર લઇ ગયો હતો.

ડુપ્લીકેટ આર.સી.બુક અને આધાર કાર્ડ આ રીતે બનાવતાં

 ચીટીંગથી ગાડી મેળવ્યા બાદ ઓએલએકસ  પર પોતે છેતરપીંડીથી મેળવી હોય એ કાર જેવી જ કંપની અને મોડેલવાળી વેચવા મુકેલ ગાડીઓ સર્ચ કરતા અને ત્યારબાદ તેના માલીકનો કોન્ટેક કરી પોતે આ ગાડી લેવા માંગે છે અને તેને વિસ્વાસમાં લઇ અને તેની આર.સી.બુક અને આધાર કાર્ડ પોતાના વોટસએપ પર મંગાવી લેતા હતાં. ત્યારબાદ તેની કલર પ્રીન્ટ કાઢી અને આર.સી.બુક તથા આધાર કાર્ડ ડુપ્લીકેટ બનાવી લેતા અને એ જ આર. સી. બુક નો ઉપયોગ આ ચીટીંગથી મેળવેલી ગાડી વેંચવા માટે કરતાં હતાં.

કારની નવી નંબર પ્લેટ  પણ બનાવી લેતાં

ઠગાઇથી મેળવેલી કારની ઓરીજનલ નંબર પ્લેટ કાઢી નાખતા અને પોતે ઓએલએકસ પરથી મેળવેલી આર.સી.બુક અને આધાર કાર્ડના આધારે નંબર પ્લેટ લગાવતા એજન્ટનો કોન્ટેકટ કરી તેમની પાસેની એ ગાડી પર કોઇએ ઓએલએકસ પર વેંચવા મુકેલી ગાડીની એની એજ નંબર પ્લેટ લગાવી દેતા જેથી કોઇને શંકા જાય તો આર.સી.બુક અને આધાર કાર્ડ રજુ કરી દેતાં. આમ ગજબની ભેજાબાજી ચલાવતાં હતાં.

 ડુપ્લીકેટ આઇ.ડી. પ્રુફ બનાવવા જાણીતાના કાર્ડનો ઉપયોગ!

બંને ગઠીયા ઓન લાઇન અથવા પોતાના કોઇ જાણીતાઓ પાસેથી તેમના આઇ.ડી.પ્રુફ મેળવી લેતાં ત્યારબાદ તે આઇ.ડી.પ્રુફમાં પોતાના કલર પ્રીન્ટર અને સ્કેનરનો ઉપયોગ કરી તેમાં ઓરીજનલ આઇ. ડી નંબર તેમજ એડ્રેસ અન્ય વ્યકિતનું રાખે અને માત્ર ફોટો પોતાનો રાખે જેથી ભોગ બનનારને કોઇ શંકા ન પડે અને આરોપીના વિશ્વાસમાં આવી જાય. જયારે એ એડ્રેસ પર તપાસ કરવામાં આવે ત્યારે ત્યાં કોઇ અન્ય કોઇ વ્યકિત જ મળી આવે કે જે આ બાબતથી એકદમ અજાણ હોય.

ટોળકીનો પ્રચલિત શબ્દ 'ભુલી જવાની ગાડી'

ચીટીંગથી મેળવેલી ગાડી એમના સહ આરોપીને આપતા પહેલા એવુ કહે છે કે આ 'ભુલી જવાની ગાડી' છે એટલે કે આ વાહન એકવાર કોઇ કાયદાકીય સંઘર્ષમાં કે ગુન્હામાં આવ્યા બાદ આ ગાડી પાછી મળવાની કોઇ સંભાવના હોતી નથી માટે આ કામના આરોપીઓ આને ભુલી જવાની ગાડી કહે છે!

ચીટીંગથી મેળવેલ ગાડી બીજા રાજ્યમાં વેંચી નાંખતા

ઠગાઇથી મેળવેલી ગાડી સામાન્ય રીતે અન્ય રાજયોમા વેંચી નાખે છે જેથી માલીક પોતાની ગાડી શોધી શકતાં નથી. આ ગાડીનો ઉપયોગ સામાન્ય રીતે ગુન્હાકીય પ્રવતીમા કે  પ્રોહીબીશનની હેરાફેરીમા થાય છે તેમજ અંતરીયાળ ગામડા દુર્ગમ જંગલ કે પહાડી વિસતારમાં ગાડીને મોકલી દેવામા આવે છે. જેથી કાયદાના સંઘર્ષમા આવવાની સંભાવના ઓછી રહે છે અને આરોપી ગાડીનો ઉપયોગ કરી શકે છે.

પોલીસે આટલુ કબ્જે કર્યુ

પોલીસે એક અર્ટીકા કાર કી.રૂ.૮,૫૦,૦૦૦ની, ઇનોવા કાર કી.રૂ.૧૫,૦૦,૦૦૦ની, કોરા ચુંટણીકાર્ડ નામ સરનામુ તથા ફોટા વગરના નંગ-૧૦૭, કોરા ડ્રાઇવીંગ લાયસન્સ નામ સરનામા વગરના નંગ-૩૭, કોરી આર.સી.બુક નંગ -૩, કોરા સ્માર્ડ કાર્ડ નંગ-૧૬ , આધાર કાર્ડ નંગ-૪,  આર.સી.બુક નંગ-૭ , પાનકાર્ડ નંગ -૩, ચુંટણીકાર્ડ નંગ -૨, એક સ્માર્ટ કાર્ડ પ્રીન્ટીંગ કરવાનુ પ્રીન્ટર કિમત.રૂ.૪૦,૦૦૦, એપલ મોબાઇલ ફોન  કિમત રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ. ૨૪,૧૫,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

દિવ્યેશની અગાઉ ૨૪ બાઇક ચોરીમાં સંડોવણી

દિવ્યેશ અગાઉ સુરતમાં ચોરીના ગુનામાં પકડાઇ ગયો હતો. તેમાં ૨૪ મોટર સાઇકલની ચોરીના ગુના શોધવામાં આવ્યા હતાં. આ તમામ બાઇકની ડુપ્લીકેટ આરસી બૂકો બનાવી હતી.

આ બે ગુનાના ભેદ ખુલ્યા

થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી-દર્શનભાઇ અશોકભાઇ પાલા (નીલકંઠ ટુર એન્ડ ટ્રાવેલ્સ) તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી-રશેષભાઇ ગોવીંદભાઇ કારીયા (હેપ્પી રાઇડીંગ ટ્રાવેલ્સ )એ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જે બંને ગુનાનો ભેદ ખુલ્યો છે.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણુકમર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં તથા પીઆઇ વી. કે.ગઢવીના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચના પીએઅસાઇ પી.એમ.ધાખડા તથા પો.હેડ કોન્સ.- મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિહં વી. ઝાલા, તથા પો.કોન્સ. નગીનભાઇ ડાંગર તથા કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિહ જી. જાડેજા સહિતે આ કામગીરી અમિતભાઇ, કુલદિપસિંહ અને પ્રદિપસિંહની બાતમી પરથી કરી હતી.

ટીમને ઇનામ

 આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પોલીસ કમિશ્નરશ્રી તરફથી રૂ.૧૫૦૦૦ના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.

(3:13 pm IST)