Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના કાળમાં રાજકોટનું સ્માર્ટ સીટી રેન્કીંગ ડાઉન : કામગીરી નબળી પડી

દર શુક્રવારે જાહેર થતા રેન્કીંગમાં છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી સતત નબળો દેખાવ

રાજકોટ તા. ૮ :.. કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી યોજનામાં ત્રણ વર્ષ અગાઉ રાજકોટનો સત્તાવાર સમાવેશ થયો છે. અને દેશના ૧૦૦ સ્માર્ટ સીટી પૈકી રાજકોટમાં પણ સ્માર્ટ સીટી નિર્માણ થઇ રહ્યુ છે. આ માટે રૈયા વિસ્તારમાં 'સ્માર્ટ સીટી' ડેવલપ થઇ રહયુ છે. અને તેનાં પ્રથમ તબકકામાં કામો પણ શરૂ કરાયા છે.

પરંતુ વર્તમાન કોરોનાં કાળમાં 'સ્માર્ટ સીટી'નાં કામો અટકી પડયા છે. જેની માઠી અસર તેનાં રેન્કીંગ ઉપર પડી છે. કેમ કે છેલ્લા ત્રણ ચાર અઠવાડીયાથી રાજકોટનુ રેન્કીંગ ડાઉન થઇ રહ્યુ હોવાની નોંધાયું છે.

આ અંગે વિશ્વાસપાત્ર સુત્રોનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પસંદ થયેલા ૧૦૦ જેટલા સ્માર્ટ સીટીઓની કામગીરીનાં ડેવલપમેન્ટની સમીક્ષા કરી અને દર શુક્રવારે તેનું રેન્કીંગ જાહેર કરે છે. જેમાં અગાઉ રાજકોટનો ૧પમો રેન્ક હતો.

પરંતુ કોરોનાનું સંક્રમણ શહેરમાં અત્યંત વધતાં મ્યુ. કોર્પોરેશને સૌ પ્રથમ પ્રાયોરીટી કોરોનાં સંક્રમણને આપવી પડે તે સ્વાભાવિક છે. આથી તંત્રનાં તમામ કર્મચારીઓને કોરોનાં સબંધી કામગીરીમાં રોકાયેલા છે. પરિણામે સ્માર્ટ સીટી સહિત મ્યુ. કોર્પોરેશનનાં અનેક કામોને માઠી અસર પહોંચી રહી છે.

અત્રે નોંધનીય છે કે, સ્માર્ટ સીટીનાં કુલ ર૬૦૦ કરોડનાં પ્રોજેકટમાં ડી. પી. રોડ, ટી. પી. સ્કીમ ડેવલમેન્ટ, વગેરેનાં કામો પ્રથમ તબકકે શરૂ થયેલ પરંતુ છેલ્લા ત્રણ અઠવાડીયાથી આ કામોથી કોઇ સમીક્ષા થઇ નથી, તેનાં કારણે રેન્કીંગ ડાઉન થયુ છે. જો કે હવે ફરી ધીમે ધીમે કામો શરૂ થઇ રહ્યા છે. અને મ્યુ. કમિશનર દ્વારા નિયમીત સમીક્ષા શરૂ થઇ છે.

આથી રાજકોટનું રેન્કીંગ ઉચુ જવાની સંભાવનાઓ છે.

(3:13 pm IST)