Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિજ્ઞાન વિદ્યાશાખામાંના અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર

ગુણવતાયુકત શિક્ષણ સાથે રોજગારી-કૌશલ છાત્રોમાં ખીલે તે મુખ્ય હેતુ : ર૦ર૧-રરના શૈક્ષણિક વર્ષથી અમલઃ બોર્ડ બેઠકમાં લેવાયેલ નિર્ણય

રાજકોટ, તા., ૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતી અંતર્ગત વિજ્ઞાન વિદ્યાશાખાના અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર કરવામાં આવ્યા છે.

વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.મેહુલ રૂપાણી અને અધરધેન ડીન ડો. ગીરીશ ભીમાણીના નેતૃત્વમાં વિજ્ઞાન વિદ્યાશાખાના તમામ બોર્ડના સભ્યોની બેઠક મળી હતી. જેમાં ભારતમાં નવી શિક્ષણ નીતી જયારે અમલમાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત નવી શિક્ષણ નીતીને અનુરૂપ વિદ્યાર્થીને સ્કીલ શિક્ષણ મળે અને રોજગારલક્ષી અભ્યાસક્રમ મળે તે માટે મોટા પાયે ફેરફાર કર્યાનું બોર્ડ બેઠકમાં નક્કી થયું છે. સાયન્સ ફેકલ્ટી અંતર્ગત ૧૪ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

વિજ્ઞાન વિદ્યાશાખામાં આવતા તમામ અભ્યાસક્રમમાં લર્નીગ આઉટકમ સાથેનો નવો અભ્યાસક્રમ ર૦ર૧-રરથી અમલમાં આવેતેવી તૈયારીઓ કરવામાં આવી છે.

સાયન્સ ફેકલટીના ડીન ડો. મેહુલ રૂપાણીએ જણાવ્યું છે કે સ્ટડી ઇન ગુજરાત પ્રોજેકટ અંતર્ગત ર૦ર૧-રર માં બહારના ૧પ૦ થી ર૦૦ વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા આવશે.

જેમાં બાયો સાયન્સ, નેનો સાયન્સ, ફીઝીકલ, માઇક્રો બાયોલોજી, અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટીના કોર્ષમાં બહારના છાત્રોનો  પ્રવેશ મેળશે. પી.એચ. ડી.ના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરવા માટે એકસપર્ટ લેકચર્સના ઓનલાઇન વીડીયો વિદ્યાર્થીઓ પુરા પાડવામાં આવશે.

નવા અભ્યાસક્રમનાં અમલમાં સ્કીલ ડેવલોપમેન્ટ મુખ્ય રહેશે. દરેક સાયન્સ કોલેજોમાં પ્લેસમેન્ટ સેલનું આયોજન કરવામાં આવશે. સાયન્સ ફેકલ્ટીના તમામ કોર્ષમાં તમામ કોલેજમાં તથા તમામ ભવનોમાં દર વર્ષે એક પ્લેસમેન્ટ ફેરનું આયોજન થશે.

સાયન્સ ફેકલ્ટી અંતર્ગત વિદ્યાર્થીઓનું પરીણામ સુધરે એ માટે દરેક સાયન્સ કોલેજમાં સેલ્ફ પ્રેઝન્ટેશન થશે.

(3:39 pm IST)