Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

બાઇકમાં લાકડી ભરાવીને ફરતાં મેહુલ ઉર્ફ મામાનું વધુ એક કારસ્તાનઃ રમેશભાઇને પણ ધોકાવી ધમકી દીધી'તી

લક્ષ્મીનગરના વેપારી પાસેથી વસ્તુ ખરીદી પુરતા પૈસા આપવાને બદલે લાફો મારી ધમકી દીધી'તી : નવલનગરમાં છોકરીઓ બેઠી હોઇ શેરીમાં નીકળવાની ના પાડતાં ખાર રાખી હુમલો કર્યો હતોઃ બે દિવસમાં બે ગુના નોંધાયા

રાજકોટ તા. ૧૧: લક્ષ્મીનગરમાં વેપારી પાસેથી રૂ. ૩૦૦નો માલ ખરીદી રૂ. ૧૦૦ જ આપી મારકુટ કરી ધમાલ મચાવનાર રીઢા ગુનેગાર મેહુલ ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ખાંટ) વિરૂધ્ધ વધુ એક મારામારીનો ગુનો નોંધાયો છે. રીઢા ગુનેગારની છાપ ધરાવતાં આ શખ્સ સામે બે દિવસમાં બે ગુના નોંધાયા છે. પોલીસે તેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવવા તજવીજ હાથ ધરી છે.

માલવીયાનગર પોલીસે આ અંગે મહાદેવ વાડી બરફના કારખાના સામે ચામુંડા નિવાસમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં રમેશભાઇ કિશોરભાઇ બગદળીયા (કોળી) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી નવલનગર-૯માં રહેતાં મેહુલ ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ખાંટ) વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રમેશભાઇના કહેવા મુજબ ૮મીએ સાંજે હું અને મારી દિકરી, દિકરો, બહેન એમ બધા મારા ઘરે બેઠા હતાં ત્યારે મેહુલ ઉર્ફ મામો કે જે અગાઉ અમારી શેરીમાં છોકરીઓ બેઠી હોઇ વારેઘડીએ બાઇક લઇને નીકળતો હોઇ તે બાબતે તેની સાથે અમારે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ગાળો દેવા માંડ્યો હતો. તેને ગાળો દેવાની ના પાડતાં મને ઢીકા-પાટુનો માર માર્યો હતો અને પોતાના બાઇકમાંથી લાકડી કાઢી મને હાથ પર ઘા ફટકારી દીધો હતો. તેણે મારકુટ કરી માથે જતાં જો ફરિયાદ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હોઇ ફરિયાદ કરી નહોતી. હવે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહ તપાસ કરે છે.

નોંધનીય છે કે ગઇકાલે પ્રદ્યુમન પાર્કના મહિપતસિંહ નાથુભા ઝાલા નામના વેપારીની ફરિયાદ પરથી મેહુલ ઉર્ફ મામો સામે ગુનો નોંધાયો હતો. ત્યાં બીજી ફરિયાદ સામે આવી છે. અગાઉ પણ આ શખ્સ જાગનાથના જૈન દેરાસરમાં પુજારીને છરી બતાવી લૂંટી લેવાના ગુનામાં પકડાયો હતો. અનેક ગુના તેના નામે બોલે છે. જેમાં વધુ બેનો ઉમેરો થયો છે.

(12:51 pm IST)