Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નવી શિક્ષણ નીતિમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટકોરા : બી.એઙ કોલેજોમાં અભ્યાસક્રમનો ભાગ બનશે

નવા સત્રમાં જ નવો અભ્યાસક્રમ મંજૂર કરીને છાત્રોને અપાશે : ડો. નિદત બારોટ

રાજકોટ, તા. ૧૨ : નવી શિક્ષણ નીતિમાં સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ આવી છે. શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદ્દત બારોટની આગવી કુનેહ અને કામ કરવાની તત્પરતાને કારણે એઙ કોલેજના અભ્યાસક્રમનો ભાગ બનાવવા અને નવા વર્ષમાં નવો અભ્યાસક્રમ છાત્રો માટે તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

હાલમાં જ ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ ૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. શાળાના શિક્ષકોને તાલીમાર્થીને તૈયાર કરતી બી.એડ. કોલેજોમાં નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે. આ અંગે માહિતી આપતા શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે હાલમાં બી.એડ. ના અભ્યાસક્રમમાં હાયર એજયુકેશન કમિશન, ફેકલ્ટી એજયુકેશન કમિશન, ન્યુ એજયુકેશન પોલીસી ૧૯૮૭ વગેરે શીખવવામાં આવે છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ ૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. સમાજમાં તૈયાર થતા શિક્ષકો ભવિષ્યમાં આ શિક્ષણનીતિનો ઉપયોગ શાળાના શિક્ષકો તરીકે કરવાના છે. નવી શિક્ષણનીતિ ૨૦૨૦ ના જુદા જુદા મુદાઓથી ભાવી શિક્ષકો માહિતગાર થાય અને ૨-૩ વર્ષ પછી જયારે તેઓ શિક્ષક તરીકેના વ્યવસાયમાં જોડાય ત્યારે તેઓને પોતાની વ્યવસાયિક કારકિર્દીમાં ઉપયોગી થાય તેવા હેતુસર તાત્કાલિક અસરથી બી.એડ .ના અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરી કુલપતિને નવો અભ્યાસક્રમ મંજૂર કરવા મોકલી આપવામાં આવશે. આ માટે થોડા જ સમયમાં નવું સત્ર ચાલુ થાય તે પહેલા બોર્ડ ફેકલ્ટીમાં નવો અભ્યાસક્રમ મંજુર કરી આપવામાં આવશે.

ભારતમાં કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ યુનેવર્સિટી હશે કે જેણે નવી શિક્ષણનીતિ ૨૦૨૦ ને અભ્યાસક્રમનો ભાગ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ માટે જરૂરી પ્રાથમિક ચર્ચા-વિચારણા અધ્યાપકો સાથે વ્યકિતગત રીતે કરી લેવામાં આવી છે અને અભ્યાસક્રમનું સ્વરૂપ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ બી.એડ. ના અભ્યાસક્રમમાં જરૂરી સુધારા સાથે નવી શિક્ષણનીતિ ૨૦૨૦ને બી.એડ. અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે.

(3:30 pm IST)