Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બેડીના પૂલ પાસે અજાણ્યા યુવાનની ફૂલાયેલી લાશ મળી

મૃતદેહની બાજુમાં બોટલ મળી આવતા ઝેરી દવા પીધી હોવાની શંકાઃ કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧રઃ બેડી ચોકડી નજીક પુલ પાસે એક અજાણ્યા યુવાનની ફૂલાયેલી લાશ મળી આવતા કુવાડવા રોડ પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે પુલ પાસે એક અજાણ્યો યુવાન (ઉ.વ. આશરે ૩પ) ની ફૂલાયેલી લાશ પડી હોવાની કોઇએ પોલીસ કંટ્રોલમાં જાપણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે તાકીદે જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરા, હેડ કોન્સ. હમીરભાઇ આહીર, સંજયભાઇ, કિશનભાઇ સહિતે સ્થળ પર પહોંચી ગયા હતા. અજાણ્યા યુવાનની લાશની બાજુમાં જંતુનાશક દવાની બોટલ મળી આવી હતી. યુવાને મારવાડી કોલેજના લોગાવાળુ ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ છે. અને જમણા હાથમાં ભરવાડ પહેરે તેવું કડુ પહેરેલ છે. તેના જમણા હાથમાં અંગ્રેજીમાં જે ત્રોફાવેલ છે. મૃતદેહની બાજુમાં જંતુનાશક દવાની ખાલી બોટલ મળી આવતા તેણે ઝેરી દવા પીધી હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. બાદ પોલીસે યુવાનની ફૂલાયેલી લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૭૦૪૪૩ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)