Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

થોડો સુધારો નોંધાયો : સિવિલ સહિત બેડ ખાલી મળવાની માત્રામાં ધીમો વધારો : ઓપીડીમાં પણ પ્રમાણમાં ઘટાડો દેખાયો

રાજકોટ : કોરોના અંગે આપણે સતત તંત્રને ઝાટકતા રહીએ છીએ, પરંતુ તંત્ર દ્વારા પણ સતત ઝળુંબતા ભય વચ્ચે કાર્યવાહીના સારા પરિણામો આવે છે. તેની પણ નોંધ લેવી જરૂરી છે. તાજેતરમાં રૂપાણી સરકારે હાથ ધરેલ સંખ્યાબંધ પગલાઓ, આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ અને અધિકારીઓનો સતત રાજકોટમાં ૧૧ દિવસ પડાવ, ધન્વંતરી રથ અને સેંકડો ટીમો દ્વારા ત્વરીત રેપીડ એન્ટીજન ટેસ્ટની વિનામૂલ્યે સુવિધા.. આ બધાના પરિણામ સ્વરૂપ રાજકોટની સિવિલ - કોવિડ હોસ્પિટલમાં પથારીઓ ખાલી મળવાની સંખ્યામાં થોડો સુધારો નોંધાયો છે. કોરોના દર્દી સાજા થવાની સંખ્યા પણ વધવા લાગી છે. પ્રમાણમાં થોડી માત્રામાં પણ ઓપીડી સંખ્યા પણ ઘટવા લાગી છે. રાજયના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

આ ટ્રેન્ડ જળવાઈ રહે તો આગામી ૨-૩ અઠવાડીયામાં રાજકોટને રાહતનો શ્વાસ લેવાય તેવી સ્થિતિ સર્જાતા વાર નહિં લાગે. અમદાવાદથી મોટી સંખ્યામાં મેડીકલ સ્ટાફ, ડોકટરોને લઈ અવાયા, સુરતથી મેડીકલી ટ્રેઈન્ડ ૨૦૦નો સ્ટાફ સાથેની ટીમો આવી, પહેલા કરતા વ્યવસ્થામાં એકસરખાપણુ આવતુ જોવા મળે છે.

જો કે આમાં હરખાઈ જવાની વાત નથી. પરંતુ તંત્રની સાથે લોકોએ, સમાજોએ પણ સતત સાવચેતી રાખવી જરૂરી છે. શ્રી નરેન્દ્રભાઈ સતત હે છે તેમ માસ્ક સતત પહેરી રાખવુ જ જોઈએ, ૪ થી ૬ ફૂટની દૂરી અચૂક રાખવી, ૧૦ મિનિટથી વધુ કોઈને મળવુ નહિં, બ્રેક લઈ લેવો, રાય - મીઠાનો 'નાસ' અચૂક લેવો, ઈમ્યુનિટી વધે તે માટે ઉકાળા લેવા, આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલ કીટ પણ બધા માટે વસાવી લેવી જરૂરી છે. તંત્ર સાથે આપણે પણ જાગૃત રહીશુ તો અચુક કાબુમાં લઈ શકશુ.

શહેર સહિત સૌરાષ્ટ્રમાં અત્યારે પૂરજોશમાં કોરોના ટેસ્ટીંગ ચાલી રહ્યુ છે તેને વધુ અગ્રેસીવ બનાવાઈ રહ્યુ છે. સતત પરીક્ષણો ચાલુ હોઇ કોરોનાના પ્રારંભીક માઈલ્ડ સીમ્પટમ્સવાળા દર્દી બહાર આવી રહ્યા છે. જેમને દાખલ કરવાને બદલે હોમ કવોરન્ટાઈન કરવામાં અને તેમનું તંત્ર દ્વારા નિયમીત ચેકીંગ અને દવા આપવાનું ચાલુ છે. લોકો પોતે હવે ડર છોડી સામેથી ટેસ્ટીંગ કરાવવાની જાગૃતતા દર્શાવવા લાગ્યા છે જે ખૂબ પોઝીટીવ બાબત છે.

(10:20 am IST)