Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

૨૨મી સુધી રાજકોટ- સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ્સ બનશે જેની અસરથી મહારાષ્ટ્ર- આંધ્રપ્રદેશમાં સારો વરસાદ પડશેઃ કોઈ- કોઈ જગ્યાએ બે થી ત્રણ ઈંચ વરસી જાયઃ બપોર બાદ વધુ સંભાવના

રાજકોટઃ હાલમાં તાપમાનમાં વેરિએશન જોવા મળે છે દિવસ અને રાત્રીના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. હવા અને જમીનમાં પૂરતા ભેજનું પ્રમાણ જોવા મળતાં હવામાં ભેજ બને છે. જેના લીધે આવું બનતું હોય છે.

ઉલ્લેખનિય છે કે ગઈકાલે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેકભાગોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળેલ.

રાજકોટમાં રવિવારે સવારે હવામાં ભેજ વધુ હતો તેમજ કયારેક તડકો પણ પડતો હતો તે વિશે વેધર એકસપર્ટ જણાવે છે કે, જયારે રાત અને દિવસના તાપમાનમાં વધુ ફેર આવે ત્યારે હવાની ભેજ સંગ્રહવાની ક્ષમતા વધી જતા ધૂંધળું વાતાવરણ થાય છે. તેને હવામાનની ભાષામાં મિસ્ટ કહેવાય છે. જયારે વરસાદની વાત કરીએ તો હાલ હજુ એક સિસ્ટમ સૌરાષ્ટ્ર પર સક્રિય છે. એક બીજુ લો પ્રેશર આંધ્રપ્રદેશ પર બન્યું છે અને ત્યાં વરસાદ લાવી ધીરે ધીરે સૌરાષ્ટ્ર બાજુ આવશે.

જો કે સામાન્ય રીતે આવી સિસ્ટમ આગળ વધે તેમ નબળી પડતી હોય છે, પણ સૌરાષ્ટ્ર તરફ આવતા અરબી સાગરના ભેજને કારણે વધુ મજબૂત બનશે. જેથી દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ પડશે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ નવી સિસ્ટમ બને તેવા એંધાણ જોવાઈ રહ્યા છે. આ બધા કારણોસર ૨૨ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને  રાજકોટમાં વરસાદી માહોલ જ છવાયેલો રહેશે.

(1:04 pm IST)