Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પોૈત્ર જન્મના બીજા દિવસે ઝનાના હોસ્પિટલની લોબીમાં દાદીમાનું વાતો કરતાં-કરતાં મોત

ત્રિવેણી સોસાયટીના પ્રસન્નબા ઝાલા સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગના ત્રીજા માળે ઢળી પડ્યાઃ પરિવારમાં એક તરફ ખુશી, બીજી તરફ શોક

રાજકોટ તા. ૧૪: સંત કબીર રોડ ત્રિવેણી સોસાયટી-૨માં રહેતાં પ્રસન્નબા અજીતસિંહ ઝાલા (ઉ.વ.૫૭) ગત રાત્રે સાડા બારેક વાગ્યે સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગના ત્રીજા માળે લોબીમાં પરિવારજનો સાથે વાતો કરતાં-કરતાં અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં ઇમર્જન્સી વિભાગમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સાંબડ મારફત પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રસન્નબાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમના પુત્રવધુ યાદીબાએ શનિવારે ઝનાના હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હોઇ પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો. આ વચ્ચે ગત રાતે અચાનક જ દાદીમા પ્રસન્નબા વાતો કરતાં-કરતાં ઢળી પડ્યા હતાં અને મૃત્યુ થતાં ઝાલા પરિવારની ખુશી શોકમાં પરિણમી હતી.

પોપટરાના વિજયનું કીટીપરામાં બેભાન થતાં મોત

બીજા બનાવમાં પોપટપરા મેઇન રોડ સબ સ્ટેશનવાળી શેરીમાં રહેતો રિક્ષાચાલક વિજયભાઇ રમેશભાઇ વરાણીયા (કોળી) (ઉ.વ.૩૨) રાતે નવેક વાગ્યે કિટીપરામાં ગુરૂનાનક મંદિર પાસે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર વિજય ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને કુંવારો હતો. તેના પિતા રમેશભાઇના કહેવા મુજબ વિજયને નશો કરવાની આદત હતી. આ કારણે બિમાર જેવો થઇ ગયો હતો. રાતે આટો મારવા નીકળ્યો હતો અને બેભાન થઇ ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

સોરઠીયાવાડીના ઇલાબેન ગજેરાનું પણ બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં સોરઠીયાવાડી-૫માં ૮૦ ફુટ રોડ પર રહેતાં ઇલાબેન નિલેષભાઇ ગજેરા (ઉ.વ.૪૨) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)