Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નવાગામમાં હિરેન સોલંકીની મોબાઇલની દૂકાનમાં ગોવિંદ અને હીરાની તોડફોડ

કાચના ટૂકડા ઉડતાં કડીયા યુવાન તથા તેની બે વર્ષની દિકરી હિર ઘવાયાઃ જુનુ મનદુઃખ કારણભુત હોવાનો ફરિયાદમાં ઉલ્લેખઃ ખંડણી માંગી હેરાન કરાતાં હોવાનો આક્ષેપ

જેમાં તોડફોડ થઇ તે દૂકાન તથા કાચ ઉડીને વાગતાં જેને ઇજ થઇ તે હિરેનભાઇ સોલંકી અને તેની દિકરી હીર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: નવાગામમાં રહેતાં અને ત્યાં જ મોબાઇલ ફોન રિચાર્જની દૂકાન ધરાવતાં કડીયા યુવાનની દૂકાને સવારે કારમાં આવેલા ગામના જ બે ભાઇઓએ ધોકાથી તોડફોડ કરી કાચ ફોડી નાંખતા આ કાચના ટૂકડાઓ ઉડતાં કડીયા યુવાન તથા તેની બે વર્ષની દિકરીને ઇજા થઇ હતી. પોલીસને જાણ કરતાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

બી-ડિવીઝન પોલીસે આ અંગે નવાગામ પંચાયત ઓફિસવાળી શેરીમાં રહેતાં હિરેનભાઇ વિનુભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી નવાગામ છપ્પનીયામાં રહેતાં ગોવિંદભાઇ રબારી અને તેના ભાઇ હીરાભાઇ રબારી સામે આઇપીસી ૩૨૩, ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. હિરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સવારે નિત્યક્રમ મુજબ પોતાની એસ.એસ. મોબાઇલ નામની દૂકાન કે જે મેઇન રોડ પર છે ત્યાં આવ્યા હતાં અને સાથે બે વર્ષની દિકરી હીર પણ હતી.

આ વખતે ગોવિંદભાઇ અને તેના ભાઇ હીરાભાઇ રબારી સ્વીફટ કાર લઇને આવ્યા હતાં અને દૂકાન પાસે ઉભી રાખી ધોકા સાથે ઉતરી તોડફોડ કરી તેમજ ઢીકાપાટુનો માર મારી નુકસાન કરી ભાગી ગયા હતાં. કાચ ફૂટીને ઉડતાં પોતાને તથા દિકરી હીરને ઇજા થઇ હતી. એએસઆઇ જીતુભાઇએ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હેડકોન્સ. મુળજીભાઇને સોંપવામાં આવી છે. જુના મનદુઃખનો ખાર રાખી આ માથાકુટ કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. જો કે હિરેનભાઇના ભાઇ પિયુષભાઇએ આક્ષેપ કર્યો હતો કે ખંડણી માંગી અવાર-નવાર હેરાન કરવામાં આવે છે. ફરિયાદમાં આ બાબતનો ઉલ્લેખ નથી.

(2:42 pm IST)