Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાના દર્દીને પાર્સલ પહોંચાડવા માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ સુવિધા

પાર્સલો ઇલેકટ્રીક રિક્ષામાં ગોઠવી જે તે દર્દીઓને તેમની ચીજવસ્તુ પહોંચાડતી ટીમ સતત કાર્યરત

રાજકોટ તા. ૧૪ : પેશન્ટનું નામ અને વોર્ડ નંબર બોલો... પાર્સલ સેવા માટે ખાસ ઉભા કરાયેલા સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પ ડેસ્ક સેન્ટર પર ઉપસ્થિત કર્મચારી દર્દીના પરિવારજન પાસેથી વિગત મેળવી, રજીસ્ટરમાં એન્ટ્રી કરે છે. 

કોરોનાના દર્દીના સ્વજનને કોઈ જરૂરી વસ્તુ પહોચાડવી હોઈ ત્યારે ખાસ તૈયાર કરાયેલા હેલ્પ ડેસ્ક સેન્ટર પર કતારબદ્ઘ બેઠેલા પરિવારજનો તેમનો વારો આવતા દર્દીની વિગત અને પાર્સલ જમા કરાવે છે. કર્મચારી બેગ પર દર્દીની વિગત સાથેનું સ્ટીકર ચિપકાવી દે છે.  આ દ્રશ્ય કોઈ કુરિયર સર્વિસની ઓફીસ પર જોવા મળતું હોઈ તેવુ જ લાગે છે.

કાઉન્ટર પર વસ્તુ સ્વીકારી તેનું એડ્રેસ લેબલિંગ કરી પાર્સલ બધા ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ આ પાર્સલને ખાસ વેનમાં (ઇલેકિટ્રક રીક્ષામાં) ગોઠવવામાં આવે છે અને ગાડી ભરાઈ જતા પાર્સલ દર્દીઓ સુધી પહોચાડવા માટે કોવીડ હોસ્પિટલ પર રવાના કરવામાં આવે છે.

ડીલેવરી બોય તરીકે દ્વારા ખાસ ઉત્સાહ સાથે સેવા આપતા દિનેશભાઈ પરમાર કોવીડ હોસ્પિટલ ખાતે આ બધા પાર્સલોને લીફટમાં લઈ જઈ અલગ અલગ ફલોર પર વોર્ડ દીઠ તેમને અલગ કરવાની કામગીરી કરે છે. ત્યારબાદ દિનેશભાઈ જે તે વોર્ડમાં દર્દીઓનું લીસ્ટ બહાર મારવામાં આવ્યું હોઈ છે તે  લીસ્ટ સાથે જે દર્દીના પાર્સલ આવેલા હોઈ તેટલા પાર્સલ અંદર ખાસ ટ્રોલીમાં લઈ જાય છે.

દરેક દર્દીના નામ સાથે પાર્સલ ખરાઈ કરી તેમને સોપવામાં આવે છે અને હા તેમની ખબર અંતર પૂછવાનું ખાસ નહિ ભૂલવાનું દિનેશભાઈ ભાવપૂર્વક જણાવે છે. 

(2:47 pm IST)