Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાની કડી તોડવા ૬૯૨ કોવિડ-કો ઓર્ડીનેટરો કામે લાગ્યા

શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં સોસાયટીઓ અને કોમ્પલક્ષો -ઓફીસોમાં કોવિડ કો -ઓર્ડીનેટરોની નિમણુંક કરાવતા ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા. ૧૪: કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાંઓ જુદાજુદા મોરચે યુધ્ધના ધોરણે અલગઅલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવા શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૬૯૨ કો-ઓર્ડીનેટરોની નિયુકિત કરવામાં આવી છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારા  મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરી શકાય. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરૂરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દર્દીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.

શહેરના વોર્ડ વાઈઝ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે જેમાં વોર્ડ નં. ૧ માંથી ૨૦, વોર્ડ નં. ૨ માંથી ૩૭, વોર્ડ નં. ૩ માંથી ૨૧, વોર્ડ નં. ૪ માંથી ૧૮, વોર્ડ નં. ૫ માંથી ૦૨, વોર્ડ નં. ૬ માંથી ૪૭, વોર્ડ નં. ૭ માંથી ૫૧, વોર્ડ નં. ૮ માંથી ૦૪, વોર્ડ નં. ૯ માંથી ૫૬, વોર્ડ નં. ૧૦ માંથી ૪૮, વોર્ડ નં. ૧૧ માંથી ૯૨, વોર્ડ નં. ૧૨ માંથી ૭૩, વોર્ડ નં. ૧૩ માંથી ૦૮, વોર્ડ નં. ૧૪ માંથી ૧૪૨, વોર્ડ નં. ૧૫ માંથી ૦૭, વોર્ડ નં. ૧૬ માંથી ૦૫, વોર્ડ નં. ૧૭ માંથી ૧૯, વોર્ડ નં. ૧૮ માંથી ૪૨ એમ શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી ૬૯૨ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે. આ તમામ કો-ઓર્ડીનેટર રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવશે જેથી કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય.

વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.

(3:42 pm IST)