Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

એસ.ટી. મુસાફરોના એન્ટીજન ટેસ્ટ કરાશે : કીટની ખાસ વ્યવસ્થા કરાઇ

એસ.ટી. બસ ઓથોરિટી સાથે રાજકોટ મનપાની ખાસ બેઠક મળી

રાજકોટ,તા.૧૪ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એસ.ટી. બસ ઓથોરિટી સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી અને કોરોનાનો સામનો કરવા માટે લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ ત્વરિત અમલી બનાવવામાં આવી રહયા છે તે વિશે ધનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નક્કી થયા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

રાજકોટમાં મુકાયેલા સિનિયર આઈ.એ.એસ. અધિકારી શ્રી મિલિન્દ તોરવણે, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ, ખાસ અધિકારી  રવીન્દ્ર ખટાલે, નાયબ મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી અને એસ.ટી., રાજકોટના ડિવિઝનલ કંટ્રોલર  યોગેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતુ અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે મુસાફરોના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા અંગેના પગલાંઓ ગંભીરતાથી અમલમાં મુકવામાં આવી રહયા છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

લોકડાઉન લાગુ થયું તે પહેલા એસ.ટી. રાજકોટ દ્વારા દરરોજ આશરે ૧૩૦૦ ટ્રીપ થતી હતી અને તેમાં સરેરાશ ૨૫૦૦૦ જેટલા મુસાફરોની આવજા થતી હતી. હાલ આશરે ૭૦૦ જેટલી બસ ટ્રીપ ઓપરેશનમાં છે અને રોજ સરેરાશ ૧૦૦૦૦ જેટલા મુસાફરોની આવનજાવન થતી રહે છે. અત્યારે દરેક બસ ૬૦ ટકા કેપેસિટી મુજબ એટલે કે લગભગ ૨૫ થી ૩૦ મુસાફરોને બેસાડી ચલાવવામાં આવી રહી છે ત્યારે બસ કંડકટરને થર્મલ ગન આપવામાં આવેલી છે અને તેમના દ્વારા મુસાફરોના શરીરના તાપમાન ચકાસીને જ પ્રવેશ આપવામાં આવે છે. મુસાફરોએ માસ્ક પહેર્યું હોય તે સુનિશ્યિત પણ કરવામાં આવી રહયા છે. સાથોસાથ એસ.ટી. તંત્ર દ્વારા નિયમિતરીતે બસ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૫૦ રૂટો પર બસ કન્ડકટરને થર્મલ ગન આપવામાં આવેલી છે.

 રાજકોટ મનપા અને એસ.ટી. તંત્રની બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર એસ.ટી. ના સુપરવાઈઝરોને ટ્રેનિંગ આપી ડેપો કક્ષાએ સંબંધિત સ્ટાફ અને મુસાફરોને પ્રશિક્ષિત કરવામાં આવશે.       

કોરોનાનો ફેલાવો અટકાવવામાં જનજાગૃતિ સૌથી મોટું હથિયાર છે. આ માટે રાજકોટ મનપા અને એસ.ટી. તંત્ર  દ્વારા લોકોને જાગૃત અને સતર્ક કરવા ફેઈસ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, સ્વચ્છતા જાળવવા, છીંક કે ઉધરસ આવતી વખતે મ્હો રૂમાલથી કવર કરવા, હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તે મુદ્રાનો પ્રયોગ કરવા સહિતના પગલાંઓ અંગે જાગૃત રહેવા બસ ડ્રાઈવર અને કન્ડકટરની સાથોસાથ મુસાફરોને પણ પ્રશિક્ષિત કરવામાં આવી રહયા છે.

(3:47 pm IST)