Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સિવિલ કોવિડમાં વિજળી ગૂલ થતાં દેકારો

પીજીવીસીએલના અધિકારીઓને તાબડતોબ બોલાવાયાઃ થોડા સમય માટે દર્દીઓના સ્વજનોમાં ભયની લાગણી ફેલાઇ : કાબર પક્ષીને કારણે ટી.સી.માં શોર્ટ સરકિટ થતાં સમગ્ર કોવિડનો વિજ પુરવઠો ૨૦ મિનીટ સુધી ઠપ્પ રહ્યોઃ ખરે ટાણે જનરેટર પણ ચાલ્યું નહિ : કલેકટર પોતે હોસ્પિટલે પહોંચ્યાઃ રાજકોટ સીટી સર્કલના ચીફ ઇજનેર પૂજારા તથા ડેપ્યુટી ઇજનેર : સહિતનો સ્ટાફે પહોંચી ફોલ્ટ શોધ્યો

રાજકોટ તા. ૧૪: સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં બપોરે એકાએક વિજ પુરવઠો ખોરવાઇ જતાં ભારે દેકારો મચી ગયો હતો. તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ હતી. કોવિડમાં દાખલ કોરોનાના દર્દીઓ અને તેમના સ્વજનોમાં પણ ભારે દેકારો મચી ગયો હતો અને ભય ફેલાઇ ગયો હતો. વિજળી ઠપ્પ થવાથી વેન્ટીલેટર પર રખાયેલા દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. તાબડતોબ પીજીવીસીએલના અધિકારીઓ અને ટીમને બોલાવાઇ હતી.

જાણવા મળ્યા મુજબ બપોરે દોઢેક વાગ્યા બાદ અચાનક જ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ કે જ્યાં કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે ત્યાંનો તમામ વિભાગનો વિજપુરવઠો એકાએક ખોરવાઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. જે દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં તેમના સ્વજનોમાં ભય ફેલાઇ ગયો હતો. બનાવની જાણ થતાં કલેકટરશ્રી અને એડીશનલ કલેકટરશ્રી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતાં અને તાબડતોબ વિજ પુરવઠો ચાલુ કરાવવા સુચનાઓ આપી હતી.

પીજીવીસીએલના રાજકોટ સર્કલના ચીફ ઇજનેર શ્રી પુજારા તેમજ જુદા-જુદા ડિવીઝનના ડેપ્યુટી ઇજનેરો અને ટીમો તાકીદે સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં પહોંચી હતી અને ફોલ્ટ શોધવા મથામણ આદરી હતી. અંદાજે વિસેક મિનીટ બાદ વિજપુરવઠો પુર્વવત થતાં સોૈએ રાહત અનુભવી હતી. લાઇટ જતાં ચાર જનરેટર ચાલુ કરવામાં આવ્યા હતાં. પરંતુ એક જનરેટરમાં ફોલ્ટ હોઇ તેનાક ારણે બીજા ત્રણ જનરેટર પણ ચાલુ થતાં નહોતાં. આ કારણે દર્દીઓ અને તેમના સ્વજનો ભયભીત થયા હતાં. વીસેક મિનીટ બાદ વિજળી પુરવઠો ચાલુ થયો હતો. સદ્દનસિબે કોઇ દર્દીને ગંભીર તકલીફ પડી નહોતી.

પીજીવીસીએલના અધિકારીઓને કલેકટરશ્રી રેમ્યા મોહને કડક શબ્દોમાં સુચનાઓ આપી હતી. તાબડતોબ ફોલ્ટ શોધવા તપાસ થતાં ચોૈધરી હાઇસ્કૂલ તરફ આવેલા જીમખાના રૂટના સબ સ્ટેશનમાં કાબર પક્ષીનું શોર્ટ સરકિટથી મોત થતાં બે ટી.સી. બળી જતાં તેના કારણે સમગ્ર કોવિડ હોસ્પિટલનો વિજપુરવઠો ઠપ્પ થઇ ગયો હતો.તબિબી અધિક્ષક ડો. પંકજ બુચનો આ બાબતે તેમના મો. નંબર ૯૮૨૪૨ ૯૨૦.... ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતાં 'આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર અમાન્ય છે'...તેવી કેસેટ સાંભળવા મળી હતી. 

ચોવીસ કલાક માટે પીજીવીસીએલનો સ્ટાફ હવેથી સતત હાજર રહેશે

. આજે બનેલી ઘટનાને પગલે ગંભીરતા દાખવી હવેથી રાઉન્ડ ધ કલોક પીજીવીસીએલના કર્મચારીઓની એક ટીમ પણ કોવિડ ખાતે હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સામાન્ય ફોલ્ટ પણ સર્જાય તો તુરત જ નિવારણ કરી શકાય.

(3:53 pm IST)